લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની તાલુકા શિક્ષણાધિકારીએ ઓચિંતી મુલાકાત લઇ ઝીણવટભરી તપાસણી હાથ ધરી હતી. તપાસણી દરમિયાન શાળાના આચાર્ય અમૃત પ્રજાપતિએ ફરજમા ગંભીર પ્રકારની બેદરકારી દાખવેલ હોવાનુ સામે આવતા તાલુકા શિક્ષણાધિકારી ચોકી ઉઠ્યા હતા. સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસણી અહેવાલ મોકલતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લાડપુર મુખ્ય પ્રાથમિકના આચાર્યને નોટીસ ફટકારતા શિક્ષણ આલમમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 2/8/21ના રોજ લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી. લાડપુર મુખ્ય પ્રાથમિક શાળામાં છેલ્લા સાત વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અમૃત પ્રજાપતિ પાસે ટીપીઓ દ્વારા આચાર્યએ નિભાવવાના રેકોર્ડની માંગણી કરતા આચાર્ય અમૃત પ્રજાપતિએ કેટલુક રેકોર્ડ તપાસણી અર્થે રજુ કર્યુ હતુ.
તાલુકા શિક્ષણાધિકારીએ રજુ કરેલા રેકોર્ડની તપાસણી કરતા આચાર્યની ઘોર બેદરકારી સામે આવી હતી. આચાર્ય અમૃત પ્રજાપતિએ દ્વારા તા.27/9/2014થી સરકાર દ્વારા ફાળવેલ કંટીજન્સી ગ્રાન્ટનો કોઈ રોજમેળ નિભાવેલ ન હોવાનુ સામે આવ્યુ હતુ. સાથે સરકાર દ્વારા શાળાના વિકાસ માટે શાળાને ફાળવવામા આવતી વિવિધ યોજનાઓની ગ્રાન્ટનો રોજમેળ વર્ષ 2019-20થી શાળા આચાર્ય અમૃત પ્રજાપતિએ નિભાવેલી નથી તેમજ આચાર્ય અમૃત પ્રજાપતિએ દૈનિક નોંધપોથી પણ નિયમિત રીતે નિભાવતા નહિ હોવાનુ તપાસણી દરમ્યાન સામે આવ્યુ હતુ.
લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય પોતાની ફરજમા ગંભીર બાબતોમા પણ ઘોર બેદરકારી દાખવી રહ્યા હોવાનુ જણાઈ આવ્યું છે. શાળાના આચાર્ય અમૃત પ્રજાપતિએ સરકારશ્રીના તા.7/2/2014 ના ઠરાવની જોગવાઈ અનુસાર આદર્શ આચાર સંહિતાનું પણ પાલન કર્યું નથી. તેમજ પ્રાથમિક શિક્ષણ નિયમ –1949ના 70 ( 1 ) મુજબની ફ૨જો પણ નિભાવવામા આચાર્ય અમૃત પ્રજાપતિ નિષ્ફળ ગયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે, જેને લઈને આચાર્ય અમૃત પ્રજાપતિ વિરૂદ્ધ ગુજરાત પંચાયત સેવા વર્તણુંક નિયમો -1998 (1 ) , (2) ની જોગવાઈઓનો ભંગ થવાના કિસ્સામાં ગુજરાત પંચાયત સેવા ( શિસ્ત અને અપીલ ) નિયમો -1997 ના ( 6) અન્વયેની શિક્ષાત્મક કાર્યવાહી કેમ હાથ ન ધરવી તેનો લેખિત ખૂલાસો જરૂરી આધાર પુરાવા સાથે તા.13/8/21 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદને રૂબરૂ રજુ કરવા નોટીસ ફટકારવામા આવી છે.
લાડપુર મુખ્ય પ્રાથમિક શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા અમૃત પ્રજાપતિ દ્વારા પોતાની ફરજના ભાગરૂપે કરવાની કામગીરી પોતે કરવાના બદલે શાળાના શિક્ષકો પાસે કરાવતા હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે. આચાર્ય દ્રારા શાળાના વિકાસ માટે ફાળવણી કરવામા આવતી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ કરવા નહિ આવતો હોવાની જાણકારી સુત્રો મારફતે મળી રહી છે. આચાર્ય દ્વારા આચરવામા વ્યાપક ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાઈ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.