દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરિયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા 3 યુવકોના રોડની સાઈડમાંથી મૃતદેહો મળી આવતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળ પરથી બાઈક પણ મળી આવી છે ત્યારે આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો દ્વારા યુવકોની હત્યા કરાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે પ્રથમ તબક્કે અકસ્માતનો ગુનો નોંધી નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ પ્રારંભ કર્યો છે.
ત્રણેય મૃતકોની ઉમર 21થી 25 વર્ષની
દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા (1) યુસુફ અયુબ કમાલ શુક્લા (કાપડી,ફાટક ફળિયા, ઉંમર 21), (2) અકબર સતાર પટેલ (પટેલ ફળિયુ, ઉંમર 25) અને (3) સમીર યાકુબ જેથરા (ઉંમર 21,પીંજારા ફળિયુ. આ ત્રણેય યુવકોના મૃતદેહ દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે એક ઝાડની નીચેથી નજીકમાંથી મળી આવ્યાં છે. આ ઘટના અંદાજે રોજ મોડી રાત્રિના સમયે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે ઘટના અંગે જાણ થતા પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
યુવકોની હત્યા થઈ હોવાની પરિવારજનોએ આશંકા વ્યકત કરી
ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે, તો બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપો નો દોર ચાલ્યો હતો અને પરિવારજનો દેવગઢ બારીયા પોલીસ મથકે પણ પહોંચી ગયા હતા. જ્યાં યુવકોની હત્યા કરાઇ હોવાની પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો. પરંતુ પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
PM રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે
જાણવા મળ્યા અનુસાર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લાની અન્ય પોલીસ પણ દેવગઢ બારીયા પોલીસ મથકે રવાના થઈ ગઈ છે. હાલ આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો હાલ પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્ભવવા પામ્યાં છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યો છે. પોલીસે મૃતકના મૃતદેહને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દીધા છે.
પોલીસ શું કહી રહી છે?
દાહોદના HQ ડીવાયએસપી પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે, બનાવ સ્થળની પ્રાથમિક તપાસમાં આ બનાવ અકસ્માતનો હોવાનું લાગી રહ્યું છે. હત્યાનો બનાવ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે, પોલીસ હાલ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટમાં કે લાશના પંચનામામાં કોઈ પુરાવા મળશે તો પોલીસ તે દિશામાં પણ તપાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.