તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દાહોદ જિલ્લાના બાળકોમાંથી કુપોષણને નાબૂદ કરવા પોષણ માસની ઉજવણી કરાશે

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 29222 સભર્ગા મહિલાઓ અને 22013 ધાત્રી માતા

તંદુરસ્ત બાળક દેશની આવતી કાલનું ભવિષ્ય છે. આવા બાળક તંદુરસ્તીની ખેવના કરવા માટે સરકાર દ્વારા તેમના પોષણ અંગે ખેવના કરવામાં આવે છે. માતાપિતા પોતાના બાળકોના પોષણ અંગે જાગૃત બને અને યોગ્ય આહાર પદ્ધતિ અપનાવે તે માટે આ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવાનું નિયત કરવામાં આવ્યું છે. તે સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નક્કી થયા મુજબ દાહોદ જિલ્લામાં હાલમાં 3056 આંગણવાડીઓ છે.

આ આંગણવાડીઓ અંતર્ગત છ વર્ષ સુધીની આયુના 330299 બાળકો, 11થી 18 વર્ષની 103326 કિશોરીઓ ઉપરાંત 29222 સભર્ગા મહિલાઓ અને 22013 ધાત્રી માતાઓને આવરી લેવામાં આવી છે. તેને ધ્યાને રાખીને પોષણ માસની ઉજવણી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં પોષણ માસના પ્રથમ સપ્તાહમાં આંગણવાડી કેન્દ્રોમાં ઉપરાંત શાળાઓ અને ગ્રામપંચાયતના પરિસરમાં વૃક્ષારોપણ, કિચન ગાર્ડનિંગને લગતી પ્રવૃત્તિ કરવામાં આવશે. બીજા સપ્તાહમાં આંગણવાડીના બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને યોગ તથા આયુષની સમજ આપવામાં આવશે. યોગ અને હળવી કસરતો કરાવવામાં આવશે.

ત્રીજા સપ્તાહમાં અતિ કૂપોષિત બાળકો ધરાવતા આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રીશન કિટ્સનું વિતરણ કરવામાં આવશે. ચોથા સપ્તાહ દરમિયાન જિલ્લામાં અતિ કૂપોષિત બાળકોને શોધીને તેને પોષકયુક્ત આહાર આપવામાં આવશે. જરૂરી લાગે તેવા બાળકોને બાલ સંજીવની કેન્દ્રોમાં ખસેડવામાં આવશે. પોષણ માસની ઉજવણી કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કૂપોષણ નાબૂદ કરવા માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર અશોક પાંડોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા કાર્યક્રમ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...