કામગીરી:દાહોદને પાણી પૂરું પાડતી પાટાડુંગરી લાઇનમાં સંખ્યાબંધ ભંગાણ : 6 દિવસ સુધી 95 હજાર લોકોને પાણી નહીં મળે

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડાવ બ્રિજથી ગરબાડા ક્રોસિંગ અને વરમખેડાથી પાટાડુંગરી ડેમ તરફની નવી લાઇનનું જોડાણ કરાશે
  • આગામી સપ્તાહથી 3-3 દિવસ પાણી બંધ રખાશે
  • સાડા ત્રણ કિમીની લાઇનમાં સંખ્યાબંધ લીકેજ

દાહોદ શહેરમાં કડાણા સાથે પાટાડુંગરી જળાશયમાંથી પાણી અપાય છે. ત્યારે પાટાડુંગરીથી દાહોદ આવતી પાઇપો 1969માં નખાઇ હોવાથી તે કહોવાઇ જતાં સંખ્યાબંધ લીકેજની સમસ્યા હતી. તેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંતરે-તીસરે ખોદકામ અને સમારકામની કામગીરી ચાલુ જ રહેતી હતી. સમાધાનના ભાગ રૂપે વર્ષ 2020માં સ્માર્ટસિટી અંતર્ગત 610 એમ.એમ વાળી એમએસ પાઇપ લાઇન પથરાઇ હતી. કોરોનાને કારણે તેનું જોડાણ શક્ય બન્યંુ ન હતું. ત્યારે હવે ઉનાળા પૂર્વે તે કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ લેવાયો છે.

પડાવ વિસ્તારથી શહેર તરફ કરાયેલા જોડાણ બાદ શહેરના કાયમી લીકેજો બંધ થયા છે. ત્યારે પડાવ બ્રિજથી ગરબાડા ક્રોસિંગ અને વરમખેડાથી પાટાડુંગરી તરફ સાડા ત્રણ કિમીની લાઇનમાં પણ સંખ્યાબંધ લીકેજ હોવાથી તેનું પણ નવી લાઇનમાં જોડાણ આગામી સપ્તાહથી શરૂ કરાશે. આ માટે તબ્બકાવાર ત્રણ-ત્રણ મળીને એમ છ દિવસ શહેરમાં પાણી પુરવઠો બંધ રખાશે તેવી જાણકારી મળી છે. પાલિકા દ્વારા કામગીરી પાણી બંધ રાખવાેની જાહેરાત કરાશે.

કામગીરી બાદ 10 સ્થળના લીકેજ દૂર થશે
શહેરમાં 8થી 10 ફેબ્રુઆરી સુધી પડાવથી દાહોદ શહેર તરફની લાઇન જોડાણની કામગીરી હાથ ધરી ત્રણ દિવસ પાણી બંધ કરાયુ હતું. આ કામગીરી પૂર્ણ થતાં શહેરમાં વર્ષોથી સેન્ટ્રલ વોટર વર્કસ કમ્પાઉન્ડ, સિંધી સો. ગેટ પાસે, બ્રહ્માકુમારી આશ્રમ પાસે, આંબેડકર ચોક, ગડીના કિલ્લા, પાલિકા હનુમાનજી મંદિર, ગાંધી મશીનરી સ્ટોરે, પડાવ ચોક, ગરબાડા રોડ ક્રોસિંગ, સહકાર નગર મુખ્ય રોડ, આશારામબાપુ આશ્રમ પાસેની લીકેજની સમસ્યા દૂર થઇ છે.

ઉનાળાને ધ્યાનમાં રાખી કામગીરી થઇ રહી છે
હાલમાં પડાવમાં લાઇન બદલવાની કામગીરીથી શહેરમાં દસ સ્થળના કાયમી લીકેજનો પ્રોબલેમ સોલ્વ થયો છે. વધુ બે સ્થળે લાઇનનું જોડાણ આપવુ પડશે. જેથી આગામી દિવસોમાં જાહેરાત બાદ તબ્બકાવાર પાણીનો પુરવઠો બંધ રાખવો પડે તેમ છે. ઉનાળમાં એક પણ દિવસ શટડાઉન ના કરવું પડે તે પ્રકારનું આયોજન કરાઇ રહ્યું છે. - રીનાબેન પંચાલ, પ્રમુખ, દાહોદ નગર પાલિકા

12 લાખ લિટરની ટાંકી ભરાઇ જશે
દાહોદ શહેરમાં પાણીના સ્ટોરેજની કોઇ સમસ્યા ભવિષ્યમાં ક્યારેય ના પડે તે માટે 12 લાખ લિટરની ટાંકી બનાવવામાં આવી છે. આગામી સપ્તાહમાં આ ટાંકી પણ ભરવાનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ટાંકી ભરાતાં પાણીના સ્ટોરેજની કોઇ સમસ્યા રહેશે નહીં અને શહેરને પાણી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...