ગુજરાત રાજયમાં મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી મહેસૂલી મેળાની નવતર પહેલને કારણે રાજયમાં મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં એમ રાજયના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.
દાહોદ જિલ્લાના વડામથક દાહોદ ખાતે આવેલા પંડિત દિનદયાળ સભાગૃહમાં આયોજીત મહેસૂલ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી શ્રી ત્રિવેદીએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી દાહોદમાં જિલ્લામાં વિવિધ કલ્યાણલક્ષીઓ યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિગતે છણાવટ કરી હતી. 14મી, એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે મંત્રીએ બાબસાહેબની તસ્વીર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ માટે યોજવામાં આવતા મહેસૂલી મેળાઓની સરાહના કરી હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય રમેશભાઇ કટારાએ પણ મહેસૂલી મેળાના આયોજનનો આશય સ્પષ્ટ કરી વધુમાં વધુ લોકો મહેસૂલી મેળાનો લાભ લે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
સેટલમેન્ટ કમિશ્નર કે.એમ.ભિમજીયાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલ મેળાઓ થકી પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ સરળ સમાધાન થાય છે. મેળા દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા જમીનને લગતા ઉતારાઓ, જાતિના દાખલાઓ, અધિવાસ સર્ટિફિકેટ, સંકટમોચન યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની યોજના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.