વિધાનસભા ગૃહ ખાતે ભાવનગર અને દાહોદ જિલ્લામાં નવા વીજ સબ સ્ટેશન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2021 અને 2022માં મળી ભાવનગર જિલ્લામાં કુલ રૂ. 7182.19 લાખના ખર્ચે નવા ચાર વીજ સબ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે દાહોદ જિલ્લામાં રૂ.2465.56 લાખના ખર્ચે નવા ચાર વીજ સબ સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. મંત્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, વર્ષ 1960 થી 2002 સુધીમાં ગુજરાતમાં માત્ર 705 વીજ સબ સ્ટેશન જ બન્યા હતા.
જેની સામે 2002 થી 2022 સુધીમાં રાજ્યમાં નવા 1556 વીજ સબ સ્ટેશન બન્યા છે. ભાવનગર જિલ્લામાં આગામી બે વર્ષ દરમિયાન ભાણવડ, સારીંગપુર-દમરાલા અને સુખપર ખાતે 66 કેવીના નવા ત્રણ વીજ સબ સ્ટેશન બનાવવામાં આવશે. સભ્ય દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી દેસાઈએ ઉમેર્યું હતું કે, નવા વીજ સ્ટેશનને સ્થાપવા માટે વીજ વિતરણ કંપની અને વીજ પ્રવહન કંપની માપદંડોને અનુસાર સંયુક્ત રીતે કામગીરી કરે છે.
કોઈ વિસ્તારમાં નવા જોડાણ માટે માગ આવે ત્યારે, વીજ ફીડર પર લોડ વધુ હોય ત્યારે કે પછી ફીડરની લંબાઈ વધુ હોય તેવા વિવિધ સંજોગોમાં ફીડરનું વિભાજન કરીને નવી વીજ માંગ મંજૂર કરવામાં આવે છે. પરંતુ કંટ્રોલ રૂમનું વિસ્તરણ થઇ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં ભવિષ્યની સંભવિત વીજ માંગને ધ્યાને રાખી નવા વીજ સબ સ્ટેશનને મંજૂરી આપવામાં આવે છે.
ભારે દબાણવાળી વીજ લાઈન બાબતે ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતર અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ટ્રાન્સમિશન લાઈન નાખતા સમયે ખેડૂતોને થયેલ નુકસાનના વળતરની રકમ ઓછી હોવાની અનેક રજૂઆતો મળી હતી. જેના પરિણામે ખેડૂતોના વળતરમાં પાંચથી છ ગણો વધારો થયો છે. માત્ર દાહોદ જિલ્લામાં જ 28-2-2023ની સ્થિતિએ 638 ખેડૂતોને રૂ.1318 લાખ જેટલું વળતર ચૂકવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.