તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેજાબાજ ઝડપાયો:દાહોદ જિલ્લામાં એટીએમના ડેટા ચોરીને નાણા ઉપાડી લેતી ટોળકીના મુખ્ય સૂત્રધારને LCB પોલીસે દબોચી લીધો

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટીએમમાં જઈ મદદ કરવાના બહાને કાર્ડ સ્ક્રેચ કરી લઈને પીન નંબર જોઇ લેતો હતો એક કાર્ડના ડેટા બીજા કાર્ડમા કોપી કરી લઈને નાણા ઉપાડી જતો

હરિયાણાની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ત્રણ લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. થોડા દિવસો પહેલા જ દાહોદના એક 18 વર્ષીય યુવકના એટીએમમાંથી આ ભેજાબાજે રૂા.85 હજાર કાઢી લીધાનો ગુનો પણ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવવામાં આવ્યો હતો.

ગત તા.27 મેથી તારીખ 31 મેના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના માણેક ચોક તથા રેલવે સ્ટેશનના એટીએમમાંથી દાહોદ શહેરમાં રહેતા એક 18 વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ઈસમે રૂા.85 હજાર કાઢી લઈ ઠગાઈ કરી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુનેગારને શોધી કાઢવા એટીએમના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત દાહોદ કમાન્ડ કંન્ટ્રોલ નેત્રમના સીસીટીવી ફુટેજની પણ તપાસ હાથ ધરી હતી અને દાહોદમા પ્રવેશતાં માર્ગોના સીસીટીવી ફુટેજ બારીકાઈથી અભ્યાસ કરી હતી. તેમાં શંકાસ્પદ અપાચી મોટરસાઈકલ તેમજ સ્કોડા ગાડીના નંબરની માહિતી પ્રસ્થાપીત થઈ હતી અને ટેકનીકલ સોર્સના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે રહેતા ઈસમની સંડોવણી બહાર આવી હતી.

દાહોદ એલ.સી.બી.પોલીસની ટીમ ગતરોજ સજ્જનગઢ ખાતે આ આરોપીના આશ્રય સ્થાને વોચ ગોઠવી ઉભી હતી અને આવતો જોઈ તેને દબોચી લઈ દાહોદ મુકામે લઈ આવી હતી. આરોપીએ પોતાનું નામ અમીત રાજકુમાર મહાલા (સાંસી, મુળ રહે.હરીયાણા, હાલ રહે. સજ્જનગઢ, બસ સ્ટેશનની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન 94 એટીએમ કાર્ડ, 01 લેપટોપ, 03 બેંકની પાસબુક, 01 કાર્ડ રીડર, 06 બેંકની ચેકબુક, 01 સ્કેનર મશીન, 02 સીડી કેસેટ, 01 આધાર કાર્ડ, 02 મોબાઈલ ફોન, 01 અપાચી મોટરસાઈકલ, રોકડા રૂપીયા 38 હજાર 300 અને 01 સ્કોડા ગાડી મળી પોલીસે કુલ રૂા.ત્રણ લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઉપરોક્ત પકડાયેલો આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગતળાઈ તાલુકાના લંકાઈ ગામે બેંક ઓફ બરોડામાં પટાવાળા તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હતો. પોતે અને પોતાની ગેંગના સાગરીતો ભેગા મળી દાહોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેંકના એટીએમમાં જઈ એટીએમમાં પૈસા ઉપાડવા આવતાં ઈસમોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ પોતની પાસેના મશીનમાં એટીએમ કાર્ડના ડેટા લઈ લેતા હતા. પીન નંબર જોઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે એટીએમના કાર્ડના ડેટા તેઓ પાસેના બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી એટીએમ તૈયાર કરતાં હતા અને અલગ અલગ જગ્યાએ જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતાં હતાં.

આરોપીની પોલીસે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા તથા ગોધરા શહેર તેમજ અરવલલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા વિગેરે જગ્યાએએ આ એમ.ઓ. વાપરી પૈસા ઉપાડ્યાં હોવાનું કબુલાત કરી હતી. આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે હરીયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે, પરંતુ મુખ્ય ભેજાબાજ હજી પકડની બહાર છે.

ઠગાઇ કરવા કઇ હતી મોડસ ઓપરેન્ડી
વૃદ્ધ અને કિશોરને મદદ કરવાના બહાને ખબર ન પડે તેમ પોતાની પાસેના કાર્ડ રીડર મશીનમાં કાર્ડને સ્વેપ કરાતંુ હતું. બાદ રૂપિયા કાઢવા આવનારે નાખેલો પીન નંબર પણ મોઢે કરી લેવાતંુ હતું. કાર્ડ રીડરનો ડેટા લેપટોપમાં લઇને સોફ્ટવેર દ્વારા તે અન્ય ચાલુ કે બ્લેન્ક કાર્ડની ચીપ ઉપર ક્લોન કરી દેવાતો હતો. ત્યાર બાદ ડેટા ટ્રાન્સફર કરાયેલા કાર્ડથી ATMમાંથી રૂપિયા કાઢી લેવાતા હતાં. રૂપિયા કાઢવા રાતના 11.30નો સમય રખાતો હતો. એક વખત 20 હજાર કાઢ્યા બાદ રાતે12 વાગ્યે તે ફરી 20 હજાર કાઢતો હતો.

રાજસ્થાનની બરોડા બેંકના પટાવાળા પાસેથી મળી આવેલો ઠગાઇ કરવાનો વિવિધ સામાન અને ATM કાર્ડ પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજસ્થાનની બરોડા બેંકના પટાવાળા પાસેથી મળી આવેલો ઠગાઇ કરવાનો વિવિધ સામાન અને ATM કાર્ડ પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કયા - કયા શહેરોમાં ઠગાઇ
અમિતે દાહોદ શહેર સાથે જિલ્લાના લીમડી, ઝાલોદ, પંચમહાલના ગોધરા સાથે મોરવા હડફ, શહેરા, અરવલ્લીના મોડાસા, માલપુર, મહિસાગરના લુણાવાડામાં આ મોડ્સ ઓપરેન્ડીથી રૂપિયા સેરવ્યા હોવાની કબૂલાત કરી છે. તેણે હજી વધુ ગુના આચર્યાની આશંકાથી તલસ્પર્શી તપાસ કરાઇ રહી છે.

ગુનાઇત માનસિકતા ધરાવનારા મહત્તમ બે લાખનો ખર્ચ કરે છે
એટીએમ ક્લોન કરીને લોકોના ખાતામાંથી રૂપિયા સેરવી લેવાનો ગેરકાયદે ધંધો કરવા માટે ગુનાઇત માનસિકતા ધરાવનારા લોકો મહત્તમ રૂપિયા બે લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. એટીએમમાંથી ડેટા સ્કેન કરવા માટે નાના સ્કેનરની કિંમત 10 હજાર, મોટા સ્કેનરની કિંમત 20 હજાર, 25 હજારનું જુનુ લેપટોપ અને ડેટા ટ્રાન્સફર કરવા માટે નિષ્ણાંત દ્વારા બનાવેલુ સોફ્વેર મેળવવા માટે એક લાખ રૂપિયા સહિતનો અન્ય ખર્ચ થતો હોય છે.

આ ખર્ચ કર્યા બાદ રૂપિયા કાઢવા આવનારનું છુપકેથી કાર્ડ સ્વેપ કરવાની અને પીન નંબર મોઢે રાખવાની કળા શીખી જતાં આ ઠગાઇનો ધંધો શરૂ કરી દેવાય છે. ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ઠગાઇ કરતી ટોળકીઓ પકડાઇ ચુકી છે. ત્યારે તેનું મૂળ હરિયાણા અને ઉત્તરપ્રદેશ હોવાનું જાણવા મળ્યું છે.

અમિત પાસેથી કઇ વસ્તુ મળી
અમિતના ઘરેથી 94 એટીએમ કાર્ડ મળ્યા હતાં. તેમાંથી 3 બ્લેન્ક છે. બાકીના કાર્ડમાં કેટલાકની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે જ્યારે કેટલાંકના ખોવાઇ ગયેલા હોવાનું સામે આવ્યંુ હતું. 3 પાસબુક, લેપટોપ, કાર્ડરીડર મશીન, 6 ચેકબુક, સ્કેનર, સોફ્ટવેરની સીડી, એક બાઇક તેમજ કાર મળી રૂા.3,18,800નો મુદ્દામાલ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...