દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પાંચીયાસાળ ગામે મંગળવારની રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપર બૂટલેગર સાત રાઉન્ડ ફાયરિંગ કરીને દારૂ ભરેલી ગાડીઓ છોડાવી ગયો હતો. ત્યારે તેને પકડવા માટે પોલીસે મીઠીબોર સાથે મધ્યપ્રદેશમાં તેના આશ્રયસ્થાનો ઉપર કોમ્બિંગ કર્યુ હતું. જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને હાલ સુધી એક પણ વ્યક્તિને પકડવામાં સફળતા મળી હોય તેવું જાણવા મળ્યુ નથી.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે દારૂની ગાડી પકડતાં મીઠીબોરના બુટલેગર ભીખા રાઠવાએ સાત રાઉન્ડ ફાયર કર્યા હતાં. આ સાથે બોલેરો વડે પોલીસ ટીમની ગાડીને ટક્કર મારીને નુકસાન પણ કરવામાં આવ્યુ હતું. પોલીસે પ્રતિકારમાં ચાર રાઉન્ડ ફાયર કરવું પડ્યુ હતું. જોકે, બૂટલેગરની 22 લોકોની ટોળકી સામે જૂજ પોલીસ હોવાથી તે દારૂ ભરેલી ગાડી લઇને નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ ઘટના બાદ એક્શનમાં આવેલી પોલીસે એક બાઇક સહિત ચાર વાહનો બીનવારસી શોધી કાઢ્યા હતાં.
આ મામલે દાહોદ એલસીબી, એસઓજી અને લીમખેડા ડિવિઝનની પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. છોટાઉદેપુરના મીઠીબોરમાં કોમ્બિંગ સાથે પોલીસ ટીમે ભીખાના મધ્ય પ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર, રાણાપુર અને ધાર સુધીના આશ્રયસ્થાનો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જોકે, પોલીસને એક પણ હુમલાખોર મળી આવ્યો ન હતો. આ પ્રકરણમાં ભીખા સહિત 23 લોકો સામે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.