દાહોદની નીમનળીયા ગ્રામ પંચાયત ખાતે દુધમતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. જેને મનરેગા યોજના તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના સહયોગથી નદીને પુન: જીવિત કરવાના પ્રોજેક્ટનો આજે સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રારંભ કરાવ્યો છે. આ વેળાએ સાંસદે પ્રધાનમંત્રીના 75 અમૃત સરોવરની સંકલ્પનાને દાહોદમાં સાકાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
દૂધમતી નદીને પુન: જીવિત કરવાના મહત્વના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા સાંસદ ભાભોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે 75 અમૃત સરોવર માટેનો જે સંકલ્પ આપણને આપ્યો છે તેને આપણે અવશ્ય સાકાર કરીશું. જળ સંગ્રહ અને જળ સંચય એ અમારી સરકારની મહત્વની પ્રાથમિકતા છે. જળ સંગ્રહ-સંચય થશે તો કૂવા અને બોરમાં પણ પાણી ઉપલબ્ધ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નીમનળીયા ગામ ખાતેથી આપણે દૂધમતી નદી પુન: જીવિત કરવાના પ્રોજેક્ટનો શુભારંભ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચેકડેમના બે કામો, ગલીપ્લગના 5 કામો, નાળા પ્લગના 1 કામ, ગેબિયન સ્ટ્રકચરનું 1 કામ, પથ્થર પાળા અને પથ્થર પેચીગનું એક કામ, તળાવ ઉંડા કરવાનું 1 કામ, વનીકરણ સહિત કન્ટુર ટ્રેચનું 1કામ એમ કુલ 12 વિકાસ કાર્યો હાથ ધરાશે. અંદાજે રૂ. 101 લાખના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટ થકી 25 હજાર દિવસથી વધુની માનવ રોજગારી મળશે.
તેમણે ઉમેર્યું કે, દૂધમતી પ્રોજેક્ટ સાકાર થવાથી નદી બારેમાસ વહેતી થશે અને તેના આસપાસના વિસ્તારમાં ભૂર્ગભ જળસ્તરમાં વધારો થશે. તેમજ નદીની જળસંગ્રહ શક્તિમાં અંદાજે 1.37 લાખ ઘન મીટરનો વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.