દાહોદ જિલ્લાવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી મનાય છે. આ તહેવારની ઉજવણી અર્થે વિવિધ શહેરોમાં મજુરી અર્થે ગયેલા લોકો છેલ્લા એક સપ્તાહથી વતન આવવાના શરૂ થયા હતાં. આ હિજરતીઓનો વતન આવવાનો દોર સોમવારની બપોર સુધી ચાલુ રહ્યો હોવાનું જોવા મળ્યુ હતું. હોળી પૂર્વેની રાત્રે દાહોદ જિલ્લાના તાલુકા મથકો અને મોટા ગામો લોકોના આગમનના પગલે આખી રાત ધમધમતા રહ્યા હતાં.
દાહોદ જિલ્લામાં રાજ્યના વિવિધ શહેરોમાંથી માત્ર એક જ રાતમાં 300થી વધુ એસ.ટી બસો ભરીને લોકો પર્વ માણવા માટે જિલ્લામાં ઠલવાયા હતાં. ઝાલોદના ડેપો મેનેજર એન.એસ મુનિયા અને દાહોદના ડેપો મેનેજર રાજુભાઇ વસૈયાએ જણાવ્યુ હતું કે, લીમડી-ઝાલોદમાં 150, દાહોદ શહેરમાં 100 અને દેવગઢ બારિયા ડેપોમાં 30થી વધુ એસ.ટી બસો આવી હતી. સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદ, પાટણ અને મહેસાણા તરફથી સૌથી વધુ પર્વની ઉજવણી માટે વતનમાં આવ્યા હતાં.
દાહોદ જિલ્લાની મહત્તમ પ્રજા આખા વર્ષમાં મજુરી અર્થે વિવિધ શહેરોમાં રહે છે. જોકે હોળીનો તહેવાર કરવા અચુક વતન આવે છે. આમ તો હોળીના એક સપ્તાહ પહેલાંથી જ લોકોનું આગમન શરૂ થઇ ગયેલું જોવા મળી રહ્યું હતું. દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં જાણે રાત પડી જ ન હતી. આખી રાત ધમધમતાં અહીં ભીડ અને ટ્રાફિક જામના દ્રષ્યો જોવા મળતાં હતાં. આ પ્રજાને પરત જવા માટે જિલ્લાના ત્રણે ડેપો ઉપર એક્સ્ટ્રા ભાડા મુજબની વ્યવસ્થાઓ પણ કરાઇ છે.
ઘર સુધીનું જ વાહન ભાડે કરે છે
હોળીના પર્વની ઉજવણી કરવા માટે વતન આવતી પ્રજામાં છેલ્લા કેટલાંક સમયથી એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. તાલુકા મથકે ઉતરીને સરસામાન અને પરિવાર સાથે ઘર સુધી જવામાં તકલીફો પડતી હોવાથી હવે કેટલાંક લોકો તેઓ મજુરી કામ કરે છે ત્યાંથી સીધા ઘર સુધીનું વાહન પણ ભાડે કરી લેતાં હોય છે. આવા સંખ્યાબંધ ખાનગી વાહનો પણ સોમવારની રાત્રે સંખ્યાબધ આવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.