લોકોને મળ્યો જનકલ્યાણની યોજનાઓનો લાભ:દાહોદ જિલ્લામાં 22 હજારથી વધુ લાભાર્થીઓની રૂ. 150 કરોડની લોન મંજૂર કરાઈ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
  • 22 હજાર 500 લાભાર્થીઓને રૂ. 150 કરોડની લોન મંજૂર કરાઇ
  • કાર્યક્રમમાં ઉપસ્થિત 60 લાભાર્થીઓને લોન મંજૂરીના ચેકની વહેંચણી કરાઇ

દાહોદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. જિલ્લામાં વિવિધ જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત 22 હજાર 500 લાભાર્થીઓને રૂ. 150 કરોડની લોન મંજૂર કરાઇ છે. જેમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત 60 લાભાર્થીઓને લોન મંજૂરીના ચેકની વહેંચણી કરાઇ હતી.

આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે, દરેક ગરીબ વ્યક્તિ સુધી સરકારની જનકલ્યાણની યોજનાઓના લાભ પહોંચતા થાય એ ધ્યેય સાથે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ નાણાકીય વર્ષમાં જ 8456 જેટલા પ્રધાનમંત્રી જનધન યોજનાના એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સરકારી યોજનાઓ પારદર્શી રીતે લાગુ કરાઇ રહી છે. લાભાર્થી નાગરિકોના ખાતામાં યોજનાનો નાણાકીય લાભ સીધો જમા કરવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં 22 હજાર 500 લાભાર્થી નાગરિકોને રૂ. 150 કરોડની લોન મંજૂર કરાઇ છે.

આજના કાર્યક્રમમાં લાભાર્થી નાગરિકોમાં વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, સખી મંડળને લોન, મુદ્રા લોન વગેરે યોજનાઓ અંતર્ગત નાણાકીય સહાયના ચેક આપવામાં આવ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનીક વીક તા. 6 જૂનથી તા. 11 સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લીડ બેન્ક મેનેજર સુરેશકુમાર બારીયા, ડેપ્યુટી રીજન મેનેજર નવીન ગોખીયા સહિતના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટ બ્રાન્ચના અધિકારીઓ તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...