21 મે શનિવારના રોજ મુસ્તુફા શેખની લેબરેટરીની રજા હતી. જેથી મુસ્તુફા, મોઇન અને કાળુ જમીન દલાલ યુનુસ કતવારાવાલાની રેકીમાં લાગી ગયા હતાં. યુનુસભાઇના શેડ્યુલ પ્રમાણે તે હુસેની મસ્જિદ તરફ જવાનો હોવાનો હોવાથી ત્યાં તેની હત્યાનું નક્કી કરાયુ હતું. પરંતુ પત્નીને બેગ આપ્યા બાદ તે હુસેની મસ્જિદ તરફ જવાના સ્થાને કુકડા ચોક તરફ ગયો હતો. ત્યાં બાઇક અથડાવવાનું નાટક કરીને મુસ્તુફાએ યુનુસભાઇ ઉપર હુમલો કરી દીધો હતો.
આ વખતે મોઇન અને કાળુ બે જુદી-જુદી દિશામાં એટલે કે ઘટના સ્થળથી થોડેક જ દૂર કોઇ રોકે, પકડે કે બીજી કોઇ તકલીફ આવે ત્યારે મદદ કરવા માટે બેકઅપમાં ઉભા હતાં. મુસ્તુફાએ કરેલી હત્યા મોઇન અને કાળુએ પણ જોઇ હતી. હત્યા બાદ ત્રણે છુટ્ટાછવાયા ફરાર થઇ ગયા હતાં.
દાહોદમાં અભાવો વચ્ચે જીવતા માત્ર 24 વર્ષિય મુસ્તુફા શેખે રૂપિયાની લાલચમાં જમીન દલાલ યનુસ કતવારાવાલાની હત્યા કબુલ કરી હતી. આમ તો તેનો કોઇ ગુનાઇત ઇતિહાસ નથી પરંતુ પહેલો જ મોટો ગુનો કરવા જઇ રહ્યો હોવાથી તેમાં ‘ભાઇગીરી’ કરવાની ઇચ્છાઓ જાગી હતી.
જાણવા મળ્યા મુજબ કોઇ શહેરમાં મુસ્તુફાનો કોઇ પરીચિત હત્યાના ગુનામાં નિર્દોષ છુટ્યા બાદ બિન્ધાસ્ત ફરતો હોવાથી અને તેની ભાઇગીરી તરીકેની છાપ હોવાથી મુસ્તુફા પણ તે પરીચિતથી ઇન્સપાયર્ડ થયો હતો. રેકી બાદ વેરાન સ્થળે પણ યુનુસભાઇની હત્યા કરી શકતો હતો પરંતુ દાહોદમાં નામ ચાલે તે માટે મુસ્તુફાએ અકસ્માતનું કાવતરૂ રચીને જાહેરમાં હત્યા કરવાનું નક્કી કર્યુ હતું.
સોપારીની વાતને સંતાડવા માટે હત્યા બાદ મુસ્તુફાએ અકસ્માતના ઝઘડામાં તેને બે થપ્પડ મારી દેતાં હત્યા કરી દીધી હોવાનું ઝુઠ્ઠાણુ ચલાવી પિતા સાકીર ઉર્ફે દાઉદને પણ ગોળ-ગોળ ફેરવ્યા હતાં. આ સાથે તેના કેટલાંક પરીચિતોને પણ તેણે ફોન કરીને આ જ સ્ટોરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.