સંજેલીમાં સુરતવાળી:ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ઉપર મોહિત માનસિક અસ્થિર યુવકને પોલીસે પાગલખાને ધકેલી દીધો

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાંચ વખત ઘરમાં પણ ઘુસી ગયો હતો, લોકોએ માર્યો, સમજાવ્યો પણ ના સુધર્યો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં ગ્રામ પંચાયત સભ્ય યુવતિ ઉપર એક અસ્થિર મગજના યુવકનું દિલ આવી ગયુ હતું. યુવતિને આવતા-જતાં લગ્નનો પ્રસ્તાવ મુકવા સાથે ઘરમાં પણ ઘુસી જતો હતો. સમજાવટ છતાં તેને કોઇ અસર થતી ન હતી. ત્યારે સુરત વાળી ઘટના બન્યા બાદ આ બાબતને ગંભીરતાથી લેવાઇ હતી. આખરે પરિવારે આ યુવકને વડોદરા સ્થિત પાગલખાને મોકલી દેવાની ફરજ પડી હતી.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં નર્સિંગનો કોર્સ કરેલી યુવતિ હાલમાં જ થયેલી ચુંટણીમાં ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચુંટાઇ હતી. તેના જ ગામમાં એક BSCનો અભ્યાસ કરેલો યુવક કોઇ કારણોસર માનસિક અસ્થિર થઇ ગયો હતો. જોકે, આ યુવક પંચાયત સભ્ય ઉપર મોહિત હોવાથી તેને આવતા-જતાં હેરાન કરતો હતો.

આ સાથે તે લગ્નનો પ્રસ્તાવ પણ મુકતો હતો. એક-બે નહીં પરંતુ પાંચ વખત આ યુવકે પંચાયત સભ્યના ઘરમાં પણ ઘુસી જઇને લગ્ન કરી લેવા માટેની જીદ પકડી હતી. પ્રારંભમાં તો આ બાબતને સાહજીકતાથી લેવાઇ હતી પરંતુ હેરાનગતિ વધતાં આ બાબતે પોતાના પરિવારને જાણ કરતાં એકાદ વખત તેને સીધો કરવા માર પણ મારી ધમકાવવામાં પણ આવ્યો હતો.

પરંતુ તેની કોઇ જ અસર યુવક ઉપર જોવા મળી ન હતી. પરેશાન થયેલી યુવતિએ પોલીસ મથકમાં પણ અરજી કરી હતી. થોડા દિવસ પહેલાં સુરતમાં યુવકે એક યુવતિનું જાહેરમાં ગળુ કાપી નાખ્યુ હોવાની ઘટના બાદ માનસિક અસ્થિર યુવકની હરકતને ગંભીરતાથી લેવાઇ હતી. ત્યારે પોલીસે યુવકના પરિવારના લોકોને બોલાવીને સમજાવ્યા હતા. ત્યારે આ યુવકને સારવાર માટે તાત્કાલિક અસરથી વડોદરાના પાગલખાને સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસે પરિવાર સાથે મુલાકાત કરીને તેમને સમજાવી નિર્ણય લીધો હતો.

પરિવારને બોલાવી સમજાવ્યા હતા
સંજેલી પોલીસ મથકની હદના એક ગામની યુવતિની છેડતી અંગેની અરજી આવી હતી. છેડતી કરતાં માનસિક અસ્થિર લાગતાં યુવક સાથે તેમના પરિવારને બોલાવ્યા હતાં. સમજાવટ બાદ પરિવારે યુવકને સારવાર માટે વડોદરાના મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. - જી.બી રાઠવા, પીએસઆઇ, સંજેલી

અન્ય સમાચારો પણ છે...