મન્ડે પોઝિટિવ:શિયાળુ અતિથિ બનેલા યાયાવર પક્ષીઓનો દાહોદના તળાવોમાં ડેરો

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદના વિવિધ તળાવમાં જોવા મળેલા યાયાવર પક્ષીઓ. - Divya Bhaskar
દાહોદના વિવિધ તળાવમાં જોવા મળેલા યાયાવર પક્ષીઓ.
  • નવે.થી આગમન, માર્ચમાં હિજરત

દાહોદ જિલ્લામાં શિયાળો ગાળવા માટે દેશના વિવિધ વિસ્તાર સાથે મધ્ય યુરોપ અને સાઇબીરીયામાંથી બતક અને કાદવ ખોદનાર યાયાવર પક્ષીઓ આવે છે. ત્યારે આ વખતે પણ વિવિધ જળાશયો પર આવા યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. કેટલાક તળાવો પર આ પક્ષીઓની સંખ્યા ભરપુર જ્યારે કેટલાંક તળાવો પર ઓછી રહી છે. પક્ષીઓ ધીમી સંખ્યામાં નવેમ્બરથી આવવાનું શરૂ થાય અને માર્ચના પ્રારંભે હિજરત કરતાં એપ્રિલ સુધી ચાલે છે. પક્ષીને પુરતા પ્રમાણમા ખોરાક અને પાણી મળી રહેતુ હોવાથી આખો શિયાળો અહી ગાળે છે.

આ જાતિના પક્ષીઓ આવે છે
તળાવોમાં ભગવી સુરખાબ,નકટો,નાની-મોટી સીસોટી બતક, સીંકપર બતક, ટીલીવાળી બતક, લુહાર બતક, પીચાસણ, ગયણો, ચેતવા, લાલ ચાંચ, કારચિયા, પીળી ચાંચ ઢોંક, ફાટી ચાંચ બતક, ઉજળી ઢોંક ડોક અને ચમચો નામક પક્ષી જોવા મળે છે.

આ ગામોમાં જમાવડો
દશલા, નગરાળા, ખેરડી, નસીરપુર, મુવાલિયા, પતંગડી, ચીલાકોટા, ફુલપુરા, કબુતરીડેમ, ઉધાલમહુડા, માછણડેમ સહિતના ગામના તળાવો ઉપર મોટી સંખ્યામાં શિયાળામાં પક્ષીઓ જોવા મળે છે.

આ કારણે આવે છે પક્ષી
દેશના વિવિધ વિસ્તાર સાથે મધ્ય યુરોપ અને સાયબીરિયામાં શિયાળામાં જળાશયો બરફને કારણે જામી જતાં હોય છે, ખોરાક મળતો નથી જેથી તેઓ માઇગ્રેશન કરે છે. ચોમાસા બાદ અહીંના જળાશયો ભરાયેલા હોય છે અને છીછરા હોવાથી તેમાં ખોરાકની વિપુલતાને કારણે આવતાં હોય છે.

દાહોદ સંસ્કાર ટીમ તળાવ પર નિયમિત પક્ષીનું અવલોકન કરે છેે
ટીમ તળાવ પર નિયમિત પક્ષીઓનું અવલોકન કરે છે. જેમાં અત્યાર સુધી દશલા, હમીરપુર, નગરાળા, ખુટેલાવ, કતવારાના તળાવનું નિરીક્ષણ કર્યુ છે. વિવિધ પક્ષીઓ દાહોદના મહેમાન બન્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પક્ષીઓની સંખ્યા સારી છે. ગયા વર્ષે લાલચાંચ કારચિયા દશલા તળાવ પર સારી સંખ્યામાં હતા. આ વર્ષે સંખ્યા ઓછી છે જ્યારે ફુટેલાવ તળાવ પર સંખ્યા વધુ છે. -ઘનશ્યામ સોલંકી, સંસ્કાર એડવેન્ચર ટીમ

અન્ય સમાચારો પણ છે...