માનગઢ હત્યાકાંડની 108મી વરસી:ગુજરાત-રાજસ્થાન સરહદ પર થયેલો એ જનસંહાર, જે જલિયાંવાલા બાગ કરતાં ચાર ગણો મોટો હતો, 1507 લોકોએ ગુમાવ્યા હતા જીવ

દાહોદ17 દિવસ પહેલા
  • માનગઢ હત્યાકાંડની ઘટનાને ઈતિહાસમાં બહુ સ્થાન નથી મળ્યું
  • વર્ષ 1913માં થયો હતો ક્રૂર હત્યાકાંડ

વર્ષ 1917માં રાજસ્થાન-ગુજરાત સરહદ પર સર્જાયેલો માનગઢ હત્યાકાંડ એ એવો હત્યાકાંડ છે, જે જલિયાંવાલા બાગ કરતાં ચાર ગણો મોટો હતો, એમ છતાં એને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ એ મળ્યું નથી. વર્ષ 1913માં સ્વામી ગોવિંદ ગુરુ દ્વારા તેમના અનુયાયીઓને કાર્તિક મહિનામાં યોજાતા ધાર્મિક મેળામાં એકઠા થવા માટે સંદેશો મોકલ્યો હતો, જેને કારણે 17 નવેમ્બર 1913ના દિવસે માનગઢ ટેકરી પર મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા, પરંતુ શાસકોને એમ લાગ્યું કે આ લોકો બળવો કરવાની યોજના બનાવી રહ્યા છે. અંગ્રેજો દ્વારા માનગઢ ટેકરીને ઘેરી લેવામાં આવી હતી અને એમાં એકઠા થયેલા લોકો પર ગોળી વરસાવવાની શરૂઆત કરી હતી. ફાયરિંગ જ્યારે શાંત થયું ત્યાં સુધીમાં 1507 લોકોની લાશો ઢળી ચૂકી હતી.

જલિયાંવાલા બાગ હત્યાકાંડથી ચાર ગણો મોટો હત્યાકાંડ
રાજસ્થાન-ગુજરાત સરહદ પર આવેલા માનગઢમાં ઈસવીસન 1913ના નવેમ્બર મહિનાની 17મી તારીખે સર્જાયેલા હત્યાકાંડમાં 1507 ભીલ આદિવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 388 લોકોનાં મોત નોંધાયાં હતાં. જલિયાંવાલા બાગ હત્યાકાંડથી ચાર ગણો મોટો હત્યાકાંડ હોવા છતાં ઈતિહાસમાં આ ઘટનાને જે સ્થાન મળવું જોઈએ એ મળ્યું નથી.

શા માટે સર્જાયો હતો માનગઢ હત્યાકાંડ?
સંતરામપુરથી 17 કિ.મી. દૂર આવેલી માનગઢ ટેકરી ઉપર ગોવિંદ ગુરુએ ઈ.સ. 1903માં મોટી ધૂણીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ ઈ.સ. 1905માં પોતાના ભગત અનુયાયીઓનું એક વ્યવસ્થિત સંગઠન બને અને એકતા જળવાઈ રહે એ માટે "સંપસભા" નામે એક વિશાળ સંસ્થાની સ્થાપના કરી હતી. આ માનગઢની ટેકરી ઉપર ગોવિંદ ગુરુ અને તેમના અંગત સચિવ પૂંજા પારગી પૂર્વ યોજના પ્રમાણે માનગઢની ટેકરી પર 17 નવેમ્બર 1913ના રોજ એક મોટી સભાનું આયોજન કર્યું. એમાં હજારોની સંખ્યામાં ભીલો એકત્રિત થયા હતા. સૂંથ રાજ્ય તથા તત્કાલીન સરકારો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી અઘરી બનતાં માનગઢ પરથી ભીલોને વીખરાઈ જવાની સૂચના મળી, આમ વારંવારની સૂચના છતાં તેઓ વિખેરાયા નહીં, એટલે દેશી રિયાસતો, અંગ્રેજો અને તેમનાં સ્થાપિત હિતોના સંયુક્ત લશ્કર દ્વારા માનગઢની ટેકરી ઉપર અચાનક હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 1507 જેટલા નિર્દોષ ભીલોનાં મૃત્યુ થયાં હતાં. હુમલામાં 900 ભીલોને જીવતા પકડવામાં આવ્યા હતા.

કોણ હતા ગોવિંદ ગુરુ?
ગોવિંદ ગુરુનો જન્મ 1874માં રાજસ્થાનના ડુંગરપુર નજીકના બંજાર (જિપ્સી) પરિવારમાં થયો હતો. તેમણે સંતરામપુર રજવાડામાં મજૂર તરીકે સેવા આપી હતી. એ મહાન દુકાળ દરમિયાન જ તેમણે ભીલ સમુદાય સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન અસ્તિત્વમાં રહેવા માટે ભયાવહ ભીલોએ ડાકુઓનો આશરો લીધો હતો. તેમને સમજાયું કે ભીલોમાં સામાજિક-આર્થિક સુયોજન અને દારૂના વ્યસનનો વ્યાપ તેમની નિરાશાજનક દુર્દશા માટે જવાબદાર છે. શ્રી ગોવિંદ ગુરુએ ભીલોની આ સ્થિતિ જોઈને તેમને દુર્દશાથી બચાવવા માટે ભગત આંદોલન શરૂ કર્યું હતું, જેમાં તેમણે ભીલોને માંસ, મદિરા અને દારૂના સેવનથી દૂર કરી ઈશ્વર ભક્તિમાં લગાવવાની શરૂઆત કરી હતી. એ અંતર્ગત તેમણે માનગઢ ડુંગર પર ધૂણી ધખાવી હતી અને ગામેગામ સુધારણા આંદોલનના ભાગરૂપે ધૂણીઓ શરૂ કરાવી હતી. 1903માં ગોવિંદ ગુરુએ માનગઢમાં મોટી ધૂણી સ્થાપી હતી તેમજ 1903થી 1907 સુધી સળંગ પાંચ વર્ષ સુધી મેળાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત અહીં અવારનવાર સંપ સભાનું આયોજન પણ કરાતું હતું.

હત્યાકાંડ બાદ ગોવિંદ ગુરુની ધરપકડ કરવામાં આવી હતી
હત્યાકાંડ બાદ ગોવિંદ ગુરુ સહિત સેંકડો ભીલોની ધરપકડ કરવામાં આવી હતી. 11મી ફેબ્રુઆરી, 1914ના રોજ એક વિશેષ અદાલતે તેમને સંતરામપુર અને બાંસવારા રાજ્યો વિરુદ્ધ યુદ્ધ કરવા માટે દોષિત ઠેરવ્યા હતા. ગોવિંદ ગુરુને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમની લોકપ્રિયતા અને સારા વર્તનને કારણે તેમને 1919માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણાં રજવાડાંમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હતો, જ્યાં તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં હતા. 1931માં ગોવિંદ ગુરુનું અવસાન થયું હતું.

ઘટનાનાં 100 વર્ષ બાદ ઈતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ
ગોવિંદ ગુરુની યાદમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના 2015માં ગુજરાતના ગોધરામાં થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં માનગઢ ધામ નેશનલ મેમોરિયલ ખરડો પણ સંસદમાંથી પસાર કરવામાં આવ્યો છે, જેથી આ આખા ઘટનાક્રમને ઇતિહાસના એક પૃષ્ઠ પર સ્થાન મળે. આ માનગઢની ટેકરી ઉપર શહીદોના માનમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગોવિંદ ગુરુ સ્મૃતિવન બનાવી આ ઇતિહાસને ઉજાગર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમજ 1507 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...