કોરોના સંકટનો જોતા ગુજરાત સરકારે ધોરણ 10 બાદ ધો.12ના વિદ્યાર્થીઓને રાહત આપી છે. ગઇકાલે CBSE બોર્ડ ધો.12ની પરીક્ષા રદ કરવાના લેવાયેલા નિર્ણય બાદ બુધવારે ગુજરાત સરકારે પણ આજે ધો.12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં ધોરણ12માં કુલ 21095 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. બોર્ડની પરીક્ષા આપવા માટે સામાન્ય પ્રવાહમાંથી 18428 અને વિજ્ઞાન પ્રવાહમાંથી 2667 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં.
બુધવારે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવતાં તમામ 21095 વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર જ પાસ થઇ ગયા હતાં. દાહોદ જિલ્લામાં ધો.10 બાદ હવે ધોરણ 12ની પરીક્ષા પણ રદ થતાં કોરોના કાળમાં વાલીઓએ રાહત અનુભવી છે. જોકે, તેની સામે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવાઇ રહ્યો છે.7 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
દોઢ વર્ષથી મહેનત કર્યા બાદ પરીક્ષા રદ થતા દુઃખ થયું છે
ગમતા ક્ષેત્રે એડમિશન લેવા માટે સળંગ દોઢ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. અને આ રીતે પરીક્ષા કેન્સલ થઇ ગઈ તે નથી ગમ્યું.આ તબક્કે તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા બતાવવાની તક ગુમાવી. > ટેન્સી ત્રિવેદી, સી.બી.એસ.ઈ. વિદ્યાર્થીની
ચૂંટણી ટાણે લીધો હતો તેવો નિર્ણય લીધો હોત તો સારું!
સરકારના આ નિર્ણયથી હોંશિયાર વિદ્યાર્થીઓ તો દુઃખની લાગણી અનુભવે તે સ્વાભાવિક છે. કોરોનાના કપરાકાળમાં પણ સખત મહેનત કરી છે તેમને એટલું જ કહીશ કે માર્ક્સ કે ટકા એ જ માત્ર તમારી સફળતાનો માપદંડ નથી. શીખેલુ ભવિષ્યમાં 100 % કામ આવવાનું જ છે. સરકારે ચૂંટણી વખતે લીધો હતો તેવો નિર્ણય અત્યંત મહત્વની આ પરીક્ષા માટે પણ લેવો જોઈતો હતો. સાથે જ નીટ, ગુજસેટ જેઇઇ જેવી પરીક્ષાઓ ક્યારે લેવાશે તેની પણ જલ્દીથી જાહેરાત કરવી જોઈએ.>તર્જન શાહ, સાયન્સ વિદ્યાર્થી
સાંજે ટાઈમ ટેબલ અને બીજી સવારે મોકૂફ?
આ નિર્ણયથી હોંશિયાર અને નબળા વિદ્યાર્થીઓ બંને એક સરખા થઇ ગયા. કોરોનગ્રસ્તને આગલા દિવસે સાંજે કહેવાય કે તબિયત હવે સારી છે અને અચાનક જ તેને બાયપેપ કે વેન્ટીલેટર ઉપર લેવાની નોબત આવે તેવું અમારી સાથે થયું છે. સાંજે પરીક્ષાનું ટાઈમ ટેબલ આવ્યું અને બીજી સવારે પરીક્ષા જ મોકૂફ થઇ તેનું દુઃખ છે જ! હવે અમારું ભવિષ્ય શું બનશે તે ખબર નથી! > નફીસા ભાટિયા, સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.