ભાસ્કર વિશેષ:દાહોદમાં 50થી વધુ સંગઠનો દ્વારા મધ્ય પ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્તિ બદલ મંગુભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના પીઢ નેતા મંગુભાઇ પટેલ માટે સન્માન કાર્યક્રમ યોજાયો. - Divya Bhaskar
ગુજરાતના પીઢ નેતા મંગુભાઇ પટેલ માટે સન્માન કાર્યક્રમ યોજાયો.
  • ફળની અપેક્ષા રાખ્યા વિના સેવારૂપી કર્મ કરવા જોઇએ: M.P.ના રાજ્યપાલ મંગુભાઇ પટેલ

મધ્યપ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્ત થવા બદલ ગુજરાતના પીઢ નેતા મંગુભાઇ પટેલનું દાહોદના આદિવાસી સમાજના વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થાન ભીલ સેવા મંડળના ઉપક્રમે પંડિત દીનદયાલ સભાગૃહમાં યોજાયેલા સન્માન સમારોહમાં સંબોધન કરતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, દાહોદ આવું એટલે મને ઘરે આવ્યો હોવાની અનુભૂતિ થાય છે. સરકારમાં કામ કરતો હતો ત્યારે અમે કોઇ પણ રાજકીય ભેદભાવ રાખ્યા વીના આદિવાસીઓના વિકાસ માટે કામ કર્યું હતું.

તમારા સારા કામની કોઇ નોંધ લે કે ના લે પણ ઇશ્વરના દરબારમાં સારા કામની નોંધ ચોક્કસ લેવાય છે. રાજ્યપાલે પોતાને આ વિશેષ જવાબદારી મળવા બદલ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું કે, મારી નિયુક્તિ એ વાત બતાવે છે કે તમે કરેલા કામની નોંધ ચોક્કસ લેવાઇ છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, અમારી જેવા અનેક નાનામોટા કાર્યકર્તાઓને મંગુભાઇનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. ગોધરાના સાંસદ રતનસિંહ રાઠોડે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યપાલના 27 વર્ષના ધારાસભ્યકાળ દરમિયાન સેવાની પ્રશસ્તિ કરી હતી.

દાહોદની 50થી વધુ સંસ્થાઓ, 300થી વધુ વ્યક્તિગત રીતે મંગુભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના આગમન વેળાએ જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, પ્રો. કુબેરભાઇ ડિંડોર અને નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તથા રમીલાબેન સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...