ઝાલોદ તાલુકાની ધાવડીયા ચેક પોસ્ટથી રાજસ્થાનના મોના ડુંગરથી બોલેરો એમ્બ્યુલન્સમાં બાલાસિનોર લઇ જવાતા દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. વિધાનસભા સામાન્ય ચુંટણીને અનુલક્ષીને દારૂની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ કરવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા દાહોદ એસ.પી. બલરામ મીણાએ જિલ્લાના પોલીસ મથકના અધિકારીઓને સુચના કરી હતી. જે અનુસંધાને ગતરોજ રાત્રે ઝાલોદ પીએસઆઇ જી.બી. રાઠવા તથા પોલીસ સ્ટાફના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન રાજસ્થાનના મોના ડુંગર તરફથી એમ.પી-43-જી-3995 નંબરની બોલેરો એમ્બ્યુલન્સ દવાખાનાની લાઇટ લગાવેલ ગાડીમાં એક ઇસમ ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરી ધાવડીયા ચેક પોસ્ટ પરથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે ધાવડીયા ચેક પોસ્ટ ઉપર વોચમાં હતા. તે દરમિયાન મોનાડુંગર તરફથી આગળ એમ્લ્યુલન્સ લખેલ અને દવાખાનાની લાઇટ લગાવેલ બોલેરો ગાડી આવતાં તેને આડાશ કરી ઉભી રાખવી હતી.
જેના ડ્રાઇવર રતલામ જિલ્લાના પીપલોદના કમલેશ બદ્રીલાલર પાટીદારને નીચે ઉચારી પુછપરછ કરતાં સંતોષ કારક જવાબ નહી આપતાં ગાડીમાં પાછળના ભાગે તપાસ કરતાં ઇંગ્લિશ દારૂ તથા બીયર પુઠ્ઠાની કુલ 50 પેટીઓ જેમાં રૂા..1,99,872ની કુલ 2184 બોટલ મળી આવી હતી.
જથ્થા વિશે વધુ ઘનિષ્ઠ પુછપરછ કરતાં મધ્યપ્રદેશના પીપલોદાના શ્યામ રામેશ્વર પાંચાલ તથા ભિનોલીના મેન્સા દરબાર નામના વ્યક્તિએ બાલાસિનોરના વ્યક્તિ મંગાવેલો જથ્થો ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. જથ્થો તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ એમ્બ્યુલન્સ બોલેરો અને મોબાઇલ મળી કુલ 5,00,372 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક તથા જથ્થો ભરાવી આપનાર અને જથ્થો મંગાવનાર સહિત કુલ ચાર લોકો સામે ઝાલોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.