દાહોદ શહેરમાં આજે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી.
જૂનના મધ્યમાં જ મેઘમહેર થતા આનંદ છવાયો
છેલ્લા ઘણા દિવસોથી દાહોદ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે બે - ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળતું હતું. વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી હતી. ત્યારે જૂનના મધ્યમાં જ મેઘમહેર થતા શહેરીજનોમા આનંદ છવાયો હતો. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદ જિલ્લામાં ઘણા સ્થળોએ મેઘરાજાએ પધરામણી કરી હતી.
વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ફતેપુરામાં મોડી રાત્રીના સમયથી વરસાદ પડ્યો હતો તો દાહોદ શહેરમાં બપોરે 2 વાગ્યાના આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ માત્ર નજીવા વરસાદને પગલે દાહોદ શહેરમાં ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. દાહોદમાં મેઘરાજાની વર્ષા ઋતુની પધરામણીને પગલે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે ? તેની પણ ચર્ચાઓ ચાલી હતી તો બીજી તરફ ધરતીપુત્રોમાં આજના વરસાદને પગલે ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.