હાલાકી:દાહોદમાં એસ.ટી બસોના અભાવથી બસ સ્ટેન્ડે અફરાતફરીનો માહોલ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનના કાર્યક્રમ માટે એસ.ટી બસો ફાળવી દેવાઇ હોઇ દાહોદ શહેરના બસ સ્ટેન્ડે એસ.ટી  બસોની અછતથી ગુરુવારના રોજ અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
વડાપ્રધાનના કાર્યક્રમ માટે એસ.ટી બસો ફાળવી દેવાઇ હોઇ દાહોદ શહેરના બસ સ્ટેન્ડે એસ.ટી બસોની અછતથી ગુરુવારના રોજ અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
  • વડાપ્રધાનના કાર્યક્રમમાં 10 બસો ફાળવતા મુસાફરો અટવાયાં
  • લાંબા રૂટની બસોની અપૂરતી સંખ્યાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો

દાહોદ શહેરમાં ગુરુવારના રોજ બસ સ્ટેન્ડમાં દરરોજ કરતાં વધુ ભીડના દ્રષ્યો જોવા મળ્યા હતાં. તે પાછળનું કારણ એ હતુ કે, લાંબા રૂટની મુસાફરી કરવા માટે એસ.ટી બસોના અભાવથી મુસાફરોને અટવાવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદ તરફની બસો માટે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. દાહોદ ડેપોમાંથી પણ દસ એસ.ટી બસો કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવી હતી.

લાંબા રૂટની મુસાફરી માટે ફરજિયાત રિઝર્વેશન કરાવવાનું પડ્યુ હતું. તેના કારણે એસ.ટી સ્ટેન્ડની રિઝર્વેશન બારી ઉપર લોકોની કતારો જામેલી જોવા મળી હતી. બસોમાં સીટ ટુ સીટ રિઝર્વેશન થઇ જતાં ગોધરા, ડાકોર,નડિયાદ , આણંદ સહિતના સ્થળોએ જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, દાહોદ સાથે અન્ય ડેપોમાંથી પણ બસો કાર્યક્રમ માટે ફળવાઇ હોવાથી તે દાહોદ નહીં આવતાં સમસ્યા પેદા થઇ હતી. દાહોદ જિલ્લા અને પાડોશી મધ્ય પ્રદેશના સરહદી જિલ્લાઓમાંથી આખુ વર્ષ સ્થળાંતર ચાલે છે ત્યારે ગુરુવારના રોજ વિવિધ શહેરોમાં જનારા લોકોની ભીડ વધુ જોવા મળી હતી અને તે પાછળના કારણોમાં એસ.ટી બસોનો અભાવ સામે આવ્યો હતો.

એસ.ટી બસ જ નહીં મળતાં અને હોય તો ચિક્કાર ભરેલી હોવાને કારણે કેટલાંક લોકોએ તો યાત્રા કરવાનું પણ ટાળ્યુ હતું. નિયત રૂટની એસ.ટી બસોના અભાવને કારણે આખા બસ સ્ટેન્ડમાં ગુરુવારના રોજ અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...