દાહોદ જિલ્લામાં કોરોનાએ બીજી લહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. ત્યારે કેટલાયે નામી અનામી સેવાભાવીઓ તેમજ સંસ્થાઓએ જરુરિયાતમંદોની નિઃસ્વાર્થ સેવા કરી હતી. તેવા સમયે દાહોદની ઝાયડસ હોસ્પીટલના નાના મોટા તમામ કર્મચારીઓએ કોરોના ગ્રસ્ત દર્દીઓની મન મુકીને સેવા કરી હતી, પરંતુ કોવિડના નોડલ ઓફિસર ડો.કમલેશ નિનામાએ તો ઘર અને પરિવારથી દુર હોસ્ટેલમાં રહી દર્દીઓની સારવાર માટે 24 કલાક ખડે પગે રહ્યા હતા. જેથી રાજ્ય સરકારે આરોગ્ય સુખાકારી દિવસે તેઓનું સન્માન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જેઓ સમગ્ર દાહોદ જિલ્લામાંથી એક માત્ર તબીબ હતા. ત્યારે આજે વિશ્વ આદિવાસી દિને એક આદિવાસી તબીબની સેવાને સન્માનવાની તક કોઇએ જતી કરવી જોઇએ નહી.
કોરોના કાળમાં લોહીના સંબંધીઓ પણ પોતાના સ્વજનોની સેવા કરવા અસમર્થ હતા ત્યારે આરોગ્યકર્મીઓએ જીવના જોખમે કેટલાયે લોકોના જીવ બચાવ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિકરાળ હતી ત્યારે કેટલાયનો ભોગ કોરોનાએ લઇ લીધો હતો. તેને કારણે ઘણાં પરિવારોએ મોભીઓ ગુમાવી દીધા તો કેટલાયે જૂવાનજોધ ફરજંદોના મોતથી હજીયે માવતરોને કળ વળી નથી. તે સમયે દવાખાનાઓ જાણે મંદિર બની ગયા હતા અને ડોક્ટરો જાણે ભગવાન. કારણ કે લોકો કહેતા કે કઇં પણ કરો,જે પૈસા થાય તે પણ મારા સ્વજનને બચાવો. તેમ છતાંએ દવાખાનાઓમાં પથારી ન મળતાં ઘણાં મરણ પથારીઓમાં હંમેશને માટે પોઢી ગયા.
કપરા કાળમાં દાહોદની ઝાયડસ હોસ્પીટલ કોરોનાના દર્દીઓથી ઉભરાતી હતી. બહાર એમ્બ્યુલન્સની કતારો જામતી હતી અને સ્મશાન મૃતદેહોથી છલકાતા હતા. તેવી સ્થિતિમાં હોસ્પીટલના સફાઇ સેવકથી માંડીને સીઓઓ સુધીનો સ્ટાફ રાત દિવસ તૈનાત રહેતો હતો અને તમામે જીવના જોખમે કોરોના જંગ લડયો. ત્યારે આ જંગની સેનાના સેનાપતિ એવા કોવિડ નોડલ ઓફિસર ડો.કમલેશ નિનામાની સેવા દરેક સન્માનને વામણાં સાબિત કરે તેવી હતી. કારણ કે બીજી લહેરના બે મહિના સુધીનો સમય તેઓ પોતાની પત્ની અને એકના એક પુત્રથી દુર હોસ્પીટલ પાસે આવોલી હોસ્ટેલમાં જ રહેતા હતા. પરિવારજનો સાથે વીડિયો કોલથી વાતચીત કરીને સંતોષ માનવો પડતો હતો પરંતુ તે વખતે પોતાનાને કોરોનાથી બચાવવા પોતાનાથી જ દુર રહેવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.રાત્રે પણ જાણે હાઇવે પરની કોઇ હોટેલ પર ભીડ જામી હોય તેવા દ્રશ્યોની વચ્ચે કોલાહલ અને આક્રંદ વચ્ચે ગંભીરતા જાળવી તેમણે કેટલાયે દર્દીઓની સારવાર કરી.
ડો.કમલેશ નિનામાના જણાવ્યા પ્રમાણે કોરોનાના 5000 જેટલા દર્દીઓ તો દાખલ થયા અને તેમની સારવાર કરી.ઉપરાંત ઓપીડીમાં જે દર્દીઓ આવતા કે જેમને હોમ ક્વોરોન્ટાઇન કરવા અથવા તો સામાન્ય દવા આપી તેવા દર્દીઓની સંખ્યા જુદી હતી.આમ જ્યારે કેટલાક તબીબોને કોરોનામાં માત્ર કમાણી દેખાતી હતી ત્યારે ડો.કમલેશ નિનામા જેવા તબીબોએ દેવદુત બનીને લોકોને નવજીવન આપ્યા છે.
ડો.કમલેશ નિનામા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની વાવ ગામના વતની છે.તેમના પિતા આજે પણ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોતે પણ ધોરણ 1થી 4 નો અભ્યાસ સરકારી શાળામાં જ કર્યા પછી તેમના ગામ પાસે દુધિયામાં ઘોરણ 5થી 10 સુધીનુ શિક્ષણ મેળવ્યા પછી ધો 11 અને 12 વિદ્યાનગર ભણ્યા હતા.
એમબીબીએસ અને એમડી(મેડીસીન)ની ડીગ્રી તેમણે બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદમાં મેળવી છે.તેમના ભાઇ પણ ડો. નરેશ નિનામા એમ.ડી.સાઇકીયાટ્રીક તરીકે ઝાયડસમાં જ ફરજ બજાવે છે .ત્યારે ડો.કમલેશ નિનામાની કોરોના કાળની અવિરત સેવાને બિરદાવી હિંમતનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે તેમનું સન્માન કર્યુ છે. ઝાયડસના સીઓઓ ડો.સંજય કુમાર, સુપ્રિટેન્ડેન્ટ ડો.ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાાશ પટેલ તેમજ એડમીનીસ્ટ્રેટર વિશાલ પટેલ સહિતના તમામે તેમની પર અભિનંદનની વર્ષા કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.