તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં તાલિબાની સજા:ધાનપુરના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાનાં કપડાં ફાડી જાહેરમાં અત્યાચાર ગુજારાયો, લિલામ સરકારની આબરૂ થઈ ગઈ

દાહોદ, ધાનપુર2 મહિનો પહેલા
આ તે કેવી સજા?
  • એક મહિલાને સરેઆમ નિર્વસ્ત્ર કરાઈ, ખભા પર પતિને બેસાડી ગામમાં ફેરવી
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી
  • પરિણીતાએ તેના પતિ સહિત 19 ઈસમના ટોળા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી

પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો છે. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની સાસરી પક્ષ સહિતના 19 લોકો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરમાં પરિણીતાને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યાં હતાં.
જાહેરમાં પરિણીતાને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યાં હતાં.

નપુર તાલુકાના એક ગામની 23 વર્ષીય પ્રેમીલા (નામ બદલ્યું છે) લગ્ન 5 વર્ષ અગાઉ નજીકના ગામના દિનેશ સાથે થયા હતાં. પ્રેમીલાને વસ્તારમાં દોઢ વર્ષની એક દીકરી પણ છે. પ્રેમીલા તેના પિતા સેનાભાઇ, માતા કાશીબેન અને પતિ દિનેશ સાથે રાજકોટના લતીપુર ગામે ખેતીકામ કરવા માટે ગયા હતાં. તે પૂર્વે ત્રણેક માસ પહેલાં બોડેલી પાસે ઇંટના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરતી વખતે પ્રેમીલાની આંખ ધાનપુર તાલુકાના જ વાંકોટા ગામના કમજી સાથે મળી ગઇ હતી. બંને મોબાઇલ ઉપર વાત કરતાં હતા અને કોઇક વખત મળતા પણ હતાં.

પ્રેમીલા અને તેના પ્રેમીને રૂમમાં પૂરી દીધા હતા
પ્રેમીલા તેનો મોબાઇલ પતિથી સંતાડીને રાખતી હતી. લતીપુર ગયા બાદ પ્રેમી કમજી પણ ઘ્રોલ નજીક આવેલા વાંકીયા ગામે જઇને વાડીમાં કામ કરતો હતો. અહીં પણ બંને કોઇક વખત મળતા હતાં. 5 જુલાઇના રોજ પ્રેમીલાનો મોબાઇલ પતિના હાથ લાગી ગયો હતો. મારની બીકથી પ્રેમીલા ભાગીને પ્રેમી પાસે વાંકીયા ગામે જતી રહી હતી. પિયર અને સાસરી પક્ષના લોકોએ પ્રેમીલા અને કમજીને પકડીને ધાનપુર સ્થિત સાસરીમાં લઇ 6 તારીખની પરોઢે લઇ આવ્યા હતાં. પ્રેમી કમજીને એક ઘરમાં પુરી દીધા બાદ પરોઢના 7:30 વાગ્યાના અરસામાં ભેગા થયેલા સાસરી પક્ષના લોકોએ પોત પ્રકાશ્યુ હતું.

મોબાઇલમાં વીડિયો ઉતારી વાયરલ કર્યો
પ્રેમીલાને સજા આપવા માટે પતિ દિનેશને બળપૂર્વક તેના ખભે બેસાડીને ગામમાં ફેરવી હતી. ત્યાર બાદ દિનેશ અને તેના નાના ભાઇ મેહુલે ચણીયો ખેચી કાઢી ર્નિવસ્ત્ર કરી નાખી હતી. દરમિયાન તેને માર મારવા સાથે શારીરિક છેડતી પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને ત્રણ યુવકોએ મોબાઇલમાં ઉતારી લીધી હતી અને ત્યાર બાદ વીડિયો વાયરલ કરી નાખ્યો હતો. ગંભીર ઘટના અંગે ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતિનું વજન નહીં વેઠાતા બે વખત પડી ગઇ
બર્બરતાની હદ વટવતી આ ઘટનામાં પ્રેમીલાથી પતિ દિનેશનું વજન ન વેઠાતુ હોવા છતાં તેને ખભે ચઢાવવામાં આવ્યો હતો. ખભે ચઢાવતાં વજનને કારણે બે વખત પ્રેમીલા જમીન ઉપર પડી ગઇ હતી. પરંતુ સાસરી પક્ષના લોકોએ દિનેશને બળપૂર્વક પ્રેમીલાના ખભે ચઢાવીને ગામમાં ફેરવી હતી.

સગા ભાઇ-બનેવી ભયભીત થઇ ભાગી ગયા
પ્રેમીલાનો વરઘોડો કઢાયો તે વખતે તેનો સગો ભાઇ અને બનેવી ત્યાં હાજર જ હતાં. ત્યાર બાદ તેને ભાઇ અને બનેવીની હાજરીમાં જ ર્નિવસ્ત્ર કરવામાં આવી હતી. માહોલ ગરમાયેલો જોતાં ભયભીત થયેલા ભાઇ અને બનેવી વિરોધ કરવાના સ્થાને ભાગી છૂટ્યા હતાં.

પોલીસે તપાસ કરતાં વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું
આ બનાવનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ તથા 19 ઈસમના ટોળા વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

મહિલાઓએ મહિલાની લાજ જાળવી
દિનેશને ખભે બેસાડીને ગામમાં ફેરવ્યા બાદ પ્રેમીલાનાં વસ્ત્રો ખેંચીને તેને જાહેરમાં નગ્ન કરી દેવામાં આવી હતી. તે વખતે ઉપસ્થિત તેની સાસરી પક્ષની મહિલાઓએ આ બાબતનો વિરોધ કર્યો હતો. એક વખત નગ્ન કરતાં મહિલાને તેની સાસુ ભારતીબેન પીળી ઓઢણી આપી દેતાં તે લપેટી લીધી હતી. પરંતુ તે પણ ખેંચી નખાઇ હતી. બીજી વખત નિર્વસ્ત્ર થયેલી પ્રેમીલાને અન્ય એક મહિલાએ શાલ આપી હતી.

23 વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ
દાહોદ જિલ્લામાં માત્ર સ્ત્રી સશક્તીકરણનો મોટી મોટી વાતો થઈ છે, પરંતુ હાલ પણ જૂના રીત-રિવાજો અને કુરિવાજોને પગલે મહિલાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે. ભૂતકાળમાં પણ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો સામે આવ્યા હતા. ત્યારે આજના વધુ એક બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

19 લોકોના ટોળાએ પરિણીતા અને તેના પ્રેમીને પકડી ગામમાં લાવ્યાં
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રહેતી એક 23 વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેમાં આ મામલે ગત તા.6 જુલાઈના રોજ પતિ તથા તેના સાસરિયાંઓ અને ગામના લોકો દ્વારા આ અંગેની અદાવત રાખી તેમને પકડી લાવી ખજૂરી ગામે લઈ આવ્યાં હતાં.

પરિણીતાને પાછી લાવી તેને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યાં
ખજૂરી ગામે લાવી પરિણીતાને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ ખેંચતાણ કરી તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. આ બાદ પરિણીતાના ખભા ઉપર તેના પતિને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પોલીસે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાની મુલાકાત કરી
એક્શનમાં આવેલી પોલીસે આ વીડિયોની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો હોવાનું માલૂમ પડતાં પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાની સાથે મુલાકાત કરતાં ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણકારી તેણે આપી હતી.

પરિણીતાએ તેના પતિ સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી
આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાએ તેના પતિ દિનેશ કાનિયાભાઈ મછાર, સાસરી પક્ષના અને ગામમાં રહેતા અન્ય પપ્પુ કાનિયાભાઈ, ભરત સવલાભાઈ, રાકેશ સવલાભાઈ, નવલસિંગ કસનાભાઈ, રમેશ ઉર્ફે નન્ન સનિયાભાઈ, મેહુલ સબુરભાઈ મછાર, સબિયા દહરિયાભાઈ, સંજય દિતિયાભાઈ, દિતિયા નાનાભાઈ, મડિયા દિતિયાભાઈ, નવરિયા કસનાભાઈ મછાર, લક્ષ્મણ સબિયાભાઈ મછાર, રણજિત આમલિયા, સબુર નાનાભાઈ, અખિલ મડિયાભાઈ, મનીષ સબિયાભાઈ, વીના બદિયાભાઈ અને પાંઘળા બદિયાભાઈ તમામ જાતે મછાર (તમામ રહેવાસી ખજૂરી, તા.ધાનપુર, જિ, દાહોદ) વિરુદ્ધ અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ટોળાની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જાણવા મળ્યા અનુસાર, આ બનાવમાં પોલીસે ઉપરોક્ત ટોળા પૈકી કેટલાકની અટકાયત પણ કરી છે, જ્યારે અન્યોની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

જિલ્લામાં આવી ઘટના
16 સપ્ટેમ્બર 2019 સંજેલી તાલુકાના મોલી ગામમાં એક પરિણીત યુવક અને પરિણીત યુવતી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોઈ ભાગી ગયા હતા અને યુવતીના સાસરિયાઓ દ્વારા આ બંન્નેને પકડી ગામમાં લાવ્યા હતાં. 16 સપ્ટેમ્બર 2019ના રોજ માર માર્યા બાદ યુવકના ખભે યુવતીને બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. 23 જૂન 2019ના રોજ ફતેપુરા કાળિયા ગામમાં પરિણીત પ્રેમી અને પરિણીત પ્રેમિકા ભાગી જતાં તેમને પણ પકડી લાવી માર મારવામાં આવ્યો હતો. અહીં પણ યુવતીને નિર્વસ્ત્ર કરાઇ હતી. 19 સામે ગુનો દાખલ થયો હતો.

ટોળા વચ્ચે જ મહિલાને નિર્વસ્ત્ર કરવામાં આવી
ધાનપુર તાલુકામાં પતિને ખભે બેસાડીને યુવતિનો ગામમાં વરઘોડો કાઢવા સાથે તેની શારીરિક છેડતી ઉપરાંત પતિ અને દિયર દ્વારા જાહેરમાં ટોળા વચ્ચે જ ર્નિવસ્ત્ર કરવાની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. ધાનપુર પોલીસે માણસો અને ગામની ઓળખ કર્યા બાદ પોલીસ સીધી જ યુવતીની સાસરીમાં ધસી ગઇ હતી. યુવતીની ફરિયાદના આધારે બર્બરતા આચરનારા તેના સાસરી પક્ષના 19 લોકો સામે ઇપીકો 354(બી)(સી),143,144,146,147,149,323,292,504,506(2)509,34,આઇટી એક્ટ 66(એ),66(ઇ)અને 67(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પૈકીના 11 લોકોની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની તપાસ સીપીઆઇ બી.બી બેગડિયાને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...