લૂંટથી ફફડાટ:દાહોદના પરિવાર પાસેથી 1.67 લાખના દાગીના લૂંટી લેવાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોઝમમાં હાઇવે ઉપર લુટારુ ટોળકીએ વાહનો પંક્ચર પાડી લુંટ કરતાં  ખળભળાટ મચી ગયો હતો. - Divya Bhaskar
રોઝમમાં હાઇવે ઉપર લુટારુ ટોળકીએ વાહનો પંક્ચર પાડી લુંટ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
  • દાહોદ-અમદાવાદ હાઇવે ફરી એક વખત લૂંટારુઓનું સોફ્ટ ટાર્ગેટ : રોઝમમાં વાહનો પંક્ચર પાડી લૂંટથી ફફડાટ

દાહોદ જિલ્લામાંથી પસાર થતો દાહોદ-અમદાવાદ હાઇવે ફરીથી અસાલમત બન્યો છે. લુટારુઓએ આ હાઇવે ઉપર ફરીથી ડોળો ફેરવીને બુધવારની રાત્રે રોઝમ ગામમાં વાહનો પંક્ચર કરીને લુટનો આતંક ફેલાવ્યો છે. વડોદરાથી દાહોદ આવતા પરિવારના સભ્યોને માર મારીને 1.67 લાખ ના દાગીના લુંટી જવાયા હતાં. અન્ય વાહનો પણ પંક્ચર કરવા સાથે તેમની ઉપર પથ્થમારો કરાયો હતો પરંતુ તે હાથ લાગ્યા ન હતાં.

દાહોદ ના ગોદીરોડ સ્થિત રામનગર સોસાયટીમાં રહેતાં દીનેશભાઇ દશરથભાઇ વણઝારા જીજે-20-એન-3395 નંબરની સ્વીફ્ટ કારમાં પત્ની નીતાબેન અને બે બાળકો સાથે દાહોદ આવી રહ્યા હતાં. ત્યારે રાતના 10.30 વાગે દાહોદ-અમદાવાદ હાઇવે ઉપર રોઝમ ગામમાં હાઇવે ઉપર તિક્ષ્ણ પથ્થરો રાખીને તેમની કારને પંક્ચર પાડી હતી. કાર રોકાતા વેંત જ ઝાડીઓમાંથી ધસી આવેલા 25થી 30 વર્ષની ઉમરના પેન્ટ શર્ટ પહેરેલા તથા ધોતી બાંધેલા 4 લુટારુઓએ દીનેશભાઇને લાકડી વડે માર મારીને પરિવારને બાનમાં લીધો હતો.

લુટારુઓ દીનેશભાઇ પાસે ગળામાં પહેરી રાખેલી એક લાખ સોનાની ચેન, 15 હજાર ની સોનાની વીટી, 4 હજાર નું સોનાનું પાણી ચઢાવેલું કડુ કઢાવી લીધુ હતું. પત્ની નીતાબેન પાસેથી પણ 40 હજાર નું સોનાનું મંગળસૂત્ર, 8 હજાર ની કાનની બે બુટ્ટી મળીને 1.67 લાખ ની કિંમતના દાગીનાની લુંટ કરીને ફરાર થઇ ગયા હતાં.

ઘટનાની જાણ થતાં એસ.પી બલરામ મીણા સહિત મોટા પોલીસ કાફલા સાથે શહેરના લોકો પણ રોઝમ ધસી ગયા હતાં. પોલીસે રાત્રે લુટારુઓની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેમનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. દીનેશભાઇની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને પીએસઆઇ એન.એન રામીએ આગળની તપાસ શરૂ કરી છે.

ધમકી આપીને દાગીના કઢાવ્યા
મારો મોટો ભાઇ વડોદરા રહેતો હોવાથી હું મારા દાદીને તેમને ત્યાં મુકવા માટે ગયો હતો. પરિવાર સાથે પરત આવતી વખતે રોઝમમાં દરગાહ ક્રોસ કર્યા સાથે જ મારી ગાડી એકદમ વાઇબ્રેટ થવા લાગી હતી. ટાયરમાં કટ વાગી ગયો હોવાને કારણે પુરી બેસી ગઇ હતી. મને અંદાજો તો આવી ગયો હતો પરંતુ ગાડી બેસી જ ગઇ હતી. સ્ટેયરિંગ હાર્ડ થઇ જતાં ગાડી રોકવી પડી હતી. અંધારામાંથી આવેલા લુટારુઓએ મને પગે લાકડી વડે માર માર્યો હતો. ધાક-ધમકી આપીને અમારા બધા દાગીના કઢાવી તેઓ ભાગી છુટ્યા હતાં. >દીનેશભાઇ વણઝારા, લુંટનો ભોગ બનનાર

કંબોઈ ગામમાં પણ હાઇવે ઉપર વાહનોના કાચ ફોડ્યા હતા
22 ઓગસ્ટના રોજ પણ કંબોઇ ગામે હાઇવે ઉપર લુટારુઓ ટોળકીએ પથ્થરમારો કરીને વાહનોના કાંચ ફોડ્યા હતાં. જેમાં અમદાવાદના બાવળા શહેરમાં રહેતા અમિત ચીમનભાઈ દરજી તથા તેમના કુટુંબીજનો ત્રણ વાહનોમાં બેસી ઉજ્જૈન તથા ઓમકારેશ્વર દર્શન કરી પરત જતી વખતે ભોગ બન્યા હતાં. અમિતભાઈની ગાડી ઉપર પથ્થર વાગતા કાચ તૂટી તેમને મોઢાના ભાગે ઇજા થઈ હતી.કંઈક અજુગતું થવાની આશંકા સાથે તેઓ ઘટના સ્થળેથી વાહનો હંકારી જતા લુટાતા બચી ગયા હતાં.

પંક્ચર કાર, જીપ, સ્કોર્પિયોના ચાલક આગળ ધપાવી જતાં બચી ગયા
રોઝમ માં લુટારુ ટોળકીએ 500 મીટરના હાઇવે ઉપર વાહનો પંક્ચર કરવા માટે તિક્ષ્ણ પથ્થરો ગોઠવ્યા હતાં. અહીંથી પસાર થયેલા વાહનો પંક્ચર થાય અને રોકાય તો ચાલકોને માર મારીને લુંટી લેવાની યોજના બનાવીને ઝાડીઓમાં સંતાયેલી ટોળકીનો શિકાર સૌ પ્રથમ એક બલેનો કાર બની હતી.

કાર પંક્ચર તો થઇ પરંતુ ચાલકે રોકી ન હતી. સ્કોર્પિયો પણ પંક્ચર થયા છતાં ચાલક આગળ ધપાવી ગયો હતો. ટ્રક કાબૂમાં ન આવતાં ટોળકીએ પથ્થમારો કર્યો હોવાના અહેવાલ મળ્યા છે. આ વખતે અહીંથી પસાર થયેલી એક જીપ પણ પંક્ચર પડી હતી પરંતુ ચાલક જીપને આગળ ધપાવી જઇને છોડીને ભાગી જતાં તે લુટાતો બચી ગયો હતો.

રોઝમ અને કંબોઇમાં એક જ ટોળકીની આશંકા
10 દિવસ પહેલાં કંબોઇ માં હાઇવે પર વાહનો પર પથ્થમારો કરનારી ટોળકીમાં લુટારુઓ પૈકીના એકે પોપટી જેવા રંગનો શર્ટ જ્યારે બીજાએ લાલ રંગનું ટીશર્ટ પહેર્યું હોવાનું ઘાયલ અમીતભાઇએ જણાવ્યુ હતું ત્યારે ગઇ રાત્રે રોઝમમાં થયેલી ઘટનામાં પણ એકે લાલ શર્ટ પહેરી રાખ્યો નું દીનેશભાઇ અને લુટાતા બચેલા ટ્રકના ચાલકે માહિતી આપી હતી. જેથી આ બંને સ્થળે એક જ ટોળકી હોવાની આશંકા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...