ત્રિપલ મર્ડર કેસ:રતલામના ત્રિપલ મર્ડર પ્રકરણમાં 6ની હત્યા કરનારા દાહોદના દિલીપ દેવળની સંડોવણી

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નામ બદલીને દાહોદ અને રતલામના બે આધારકાર્ડ બનાવ્યા - Divya Bhaskar
નામ બદલીને દાહોદ અને રતલામના બે આધારકાર્ડ બનાવ્યા
  • વિરલ હત્યાકાંડમાં દિલીપને અંતિમ શ્વાસ સુધીની કેદ થઇ હતી : સપ્ટે.19માં ફરાર હતો
  • નામ બદલીને રતલામમાં રહેતો હતો: હત્યામાં અભલોડના યુવકની સંડોવણી પણ સામે આવી

મધ્ય પ્રદેશના રતલામ સ્થિત રાજીવ નગરમાં 25 નવેમ્બર 2020ની રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવાના પ્રકરણમાં, દાહોદમાં બે હત્યા બાદ મરે ત્યાં સુધી આજીવન કેદની સજા બાદ પેરોલ જમ્પ કરનારા દાહોદના દિલીપ દેવળ અને અભલોડના લાલા ભાભોર સહિત ચાર લોકોની સંડોવણી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

દાહોદ પોલીસની મદદથી લાલા તેમજ રતલામના અન્ય આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે જ્યારે દિલીપ હાલ પણ ફરાર છે. દિલીપે રતલામમાં દુષ્કર્મ તેમજ અન્ય એક હત્યા પણ કરી હોવાનું સામે આવ્યું છે. દાહોદ શહેરમાં વર્ષ2017માં વેપારી મોહનદાસની હત્યામાં પકડાયેલા દાહોદ નજીક આવેલા ખરેડી ગામના રહેવાસી દિલીપ દેવળે દાહોદના રામનગરમાં રહેતા પોતાના મિત્ર વિરલ શેઠની 4 ડિસેમ્બર 2013ના રોજ હત્યા બાદ પોતાના જ ખેતરમાં દાટી દેવાનું ખુલ્યુ હતું.

વિરલ હત્યા કેસમાં 30 એપ્રિલ 2019ના રોજ દિલીપને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા સંભળાવી હતી. વડોદરા જેલથી 19 સપ્ટેમ્બર 2019ના રોજ પેરોલ ઉપર આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. મધ્ય પ્રદેશના રતલામમાં આશરો લઇને રાજીવ નગરમાં 25 નવેમ્બર 2020ની રાત્રે ગોવિંદરામ સોલંકી(50), પત્ની શારદા(45) અને દીકરી દિવ્યા(20)ની લૂંટના ઇરાદે તેમના ઘરમાં ઘૂસી ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

દિલીપ સાથે ગરબાડાના અભલોડ ગામના લાલા મનુ ભાભોર અને રતલામના જ ગોલુ ઉર્ફે ગૌરવ રાજેશ બિલવાળ અને અનુરાગ ઉર્ફે બોબી પ્રવીણસિંહ પરમારની પણ સંડોવણી સામે આવતાં તેમને પકડી લેવાયા છે. આ કેસમાં દીલીપ હાલ પણ ફરાર છે ત્યારે તેણેે તેના પિતરાઇ ભાઇ સુનીત ઉર્ફે સુમીત જીતેન્દ્રસિંહ ચૌહાણ સાથે મળીને એન્ય એક મહિલાની પણ ગોળી મારીને હત્યા કરી હોવાનું પણ ખુલતાં ખળભળાટ મચ્યો છે.

નામ બદલીને દાહોદ અને રતલામના બે આધારકાર્ડ બનાવ્યા
કુખ્યાત દિલીપ દેવળે ભળતા નામના બે આધાર કાર્ડ પણ બનાવ્યા હતાં. એક આધાર કાર્ડમાં તેણે પોતાનું નામ અનુપમ શર્મા રાખ્યંુ હતું.તેમાં દાહોદના ખરેડીનું સરનામંુ લખાવ્યંુ હતું, જ્યારે બીજું આધાર કાર્ડ હિમાંશુ સોલંકીના નામે બનાવ્યો હતો. તેમાં રતલામના ગાંધીનગર વિસ્તારનું સરનામું લખાવ્યું હતું.

હત્યા બાદ ગૌરવ અભલોડ ગામે સંતાયો હતો
અભલોડનો લાલા ભાભોર માત્ર 20 વર્ષનો છે. રતલામમાં રહેતો ગોલુ ઉર્ફે ગૌરવ બિલવાળ તેના સબંધમાં થતો હોવાથી પરિચયમાં હતો. ગુનાઇત માનસ ધરાવતાં ગોલુની વાતમાં આવીને રૂપિયાની લાલચે લાલા ભાબોરે ત્રિપલ મર્ડરના ગુનામાં તેનો સાથ આપતાં ફસાયો હતો.

દિલીપે ક્યાં અને કેટલા ગુના આચર્યા
કુખ્યાત આરોપી દિલીપ દેવળે દાહોદમાં પોતાના મિત્ર વિરલ શેઠ, વેપારી મોહનદાસ, રતલામમાં પ્રેમકુંવરબાઇ ઉપરાંત ગોવિંદરામ સોલંકી,તેમની પત્ની શારદા અને દિકરી દિવ્યાની હત્યા કરી હતી. આ ઉપરાંત તે રતલામમાં જ એક અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ છે.

રેકી બાદ લૂંટ બાદ હત્યા કરવાની મોડ્સ ઓપરેન્ડી
દીલીપ દેવળે પેરોલ જમ્પ કર્યા બાદ વિશાલા નામક એક મહિલા શિક્ષિકાની મદદથી તેણે રતલામમાં આશરો મેળવ્યો હતો. ગોવિંદરામ સોલંકીની દુકાને તે દાઢી કરાવવા જતો હતો. ગોવિંદરામે જમીનનો સોદો કર્યો હોવાથી દોઢ લાખ રૂપિયા આવ્યા હોવાની ખબર પડતાં તેણે લૂંટના ઇરાદે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ પ્રકારે જ રતલામમાં રહેતી પ્રેમકુંવરબાઇ નામક મહિલાએ પોતાની સ્કૂલનું વેચાણ કરતાં મોટી રકમ આવી હોવાની જાણ થતાં ઘર ભાડે લેવાના ઇરાદે રેકી બાદ તેની પણ ગોળી મારી હત્યા કરી નાખી હતી. દાહોદમાં વિરલના માથામાં પણ ગોળી જ મારી હતી જ્યારે વેપારી મોહનદાસની ગળું ભીંચીને હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...