રસ્તાનું કામ‌ અટવાતાં લોકોને હાલાકી:દાહોદમાં એમજીવીસીએલ પાસેના નવીન રસ્તાનું કામ ખોરંભે ‌પડતાં વાહન ચાલકોની સમસ્યા વધી

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રસ્તો શરૂ થાય તો શહેરમાં ટ્રાફિકનું ભારણ‌ ઘટાડી શકાય તેમ છે
  • ટ્રાફિકની સમસ્યાના કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે

દાહોદ શહેર માટે મહત્વનો રસ્તો એમજીવીસીએલથી ઈન્દૌર હાઈવે તરફ જતા માર્ગ ઉપર બ્રીજ બની ચૂક્યો છે. પરંતુ કોઈક કારણોસર તેના એપ્રોચ રસ્તાનું કામકાજ છેલ્લા ઘણા સમયથી અટવાઈ પડ્યું છે. જેને પગલે દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ દિવસે અને દિવસે વધી રહ્યું છે. જો આ રસ્તાનું નિર્માણ વહેલીમાં વહેલી તકે કરવામાં આવે તો મોટા અને ભારે વાહનોની અવર-જવર આ બ્રીજથી થવાથી દાહોદમાં ચોક્કસ પણે ટ્રાફિકનું ભારણ ઓછું કરી શકાય તેમ છે.

દાહોદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને તેમાંય મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે અને મોટા વાહનોની અવર જવરને પગલે ટ્રાફિક વધી રહ્યો છે. હાલ દાહોદ શહેરમાં ઘણા વિસ્તારોમાં સ્માર્ટ સિટી અંતર્ગત નાના મોટા કામકાજ પણ ચાલી રહ્યાં છે. જેને પગલે પણ ટ્રાફિકની સમસ્યા ઉદ્‌ભવી રહી છે. ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે. તેમાંય હાલ કાળઝાળ ગરમીના કારણે લોકો ગરમીથી રેબઝેબ થઈ રહ્યા છે. ત્યારે વર્ષો પહેલા દાહોદ એમ.જી.વી.સી.એલ.થી ઈન્દૌર હાઈવે તરફ જતા રસ્તાના નિર્માણનું કામકાજ કોઈક કારણોસર ખોરંભે પડ્યું છે. આ બ્રીજ બની ગયો અને કેટલાંય સમયથી બાકી રહેલું કામકાજ બંધ છે. જેના કારણે એપ્રોચ રસ્તો પરિપૂર્ણ રીતે બનવા પામ્યો નથી.

હાલ દાહોદ શહેરમાં કેટલાંક રસ્તાઓમાં કામકાજ ચાલે છે. જેને પગલે ખાનગી જગ્યાએથી ડાઈવર્ઝન આપવાની ફરજ પડી રહી છે. ખાનગી જગ્યામાંથી ડાઈવર્ઝનને પગલે ત્યાંથી મોટા અને ભારે વાહનોના પસાર થવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. શહેરમાં વધુ ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્‌ભવવા પામી રહી છે. માટે આ રસ્તો બની જાય અને વહેલામાં વહેલી તકે શરૂ થઈ જાય તો અનાજ માર્કેટથી લઈ જે ટ્રાફિક છે તેને થોડી સહુલીયત ઉભી થાય તેમ છે તેમજ દાહોદ શહેરમાંથી ટ્રાફિકનું ભારણ થોડુ ઘટે તેમ જણાઈ રહ્યું છે.

આ રસ્તાનું નિર્માણ શા માટે અધૂરું પડ્યું છે? શા માટે કામકાજ કરવામાં નથી આવતું? વગેરે બાબતો વિશે ચોક્કસ પણ જાણી શકાયું નથી. પરંતુ હાલમાં આ બંધ કામગીરીના કારણે ઉભા થયેલા પ્રશ્નોના જવાબ દાહોદ શહેરવાસીઓ જાણવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...