વન્યપ્રાણીઓના માણસો સાથેના ઘર્ષણ અટકાવવા તેમજ તેમના બચાવ-સારવાર માટે દેવગઢ બારીયાનાં ઉચવાણ ગામે તૈયાર કરાયેલા એનિમલ કેર સેન્ટરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 20 એપ્રિલે દાહોદના ખરોડ ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ સેન્ટર રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
જંગલ એનીમલ કેર સેન્ટર વિશે માહિતી આપતા નાયબ વન સંરક્ષક આર.એમ. પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દીપડાની વસ્તીની દ્રષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબર પર આવે છે. દાહોદ જિલ્લામાં દીપડાની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની ગણતરી મુજબ દીપડાની સંખ્યા 143 થઇ છે. દીપડાને કારણે માનવ મૃત્યુ તેમજ માનવ ઇજાના બનાવો પણ ઘણા બન્યાં છે. વન્યપ્રાણી દ્વારા માનવ ઘર્ષણ ઘટાડવા હેતુ તેમજ માનવભક્ષી દીપડાઓ દ્વારા થતો રંજાડ અટકાવવા હેતુના નિવારાત્મક પગલાના ભાગરૂપે ઉચવાણ ગામે જંગલ એનિમલ કેર-સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનિમલ કેર સેન્ટર મુખ્યત્વે હિંસક વન્યપ્રાણીઓને અન્ય જિલ્લામાં આવેલ રેસ્કયુ સેન્ટર ઉપર લઇ જવાની અગવડ તેમજ જોખમભરી સ્થિતિ માટે છે. વન્યપ્રાણી દીપડાને પાંજરામાં વાહન દ્વારા લાવવા લઇ જવામાં દીપડાને નાની મોટી ઇજાઓ થવાની સંપૂર્ણ શક્યતાઓ રહેતી હોય છે. દીપડાના મૃત્યુ બાદ પોસ્ટ મોર્ટમ કરવાનું તથા પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેને અગ્નિદાહ આપવાની કાર્યવાહી પણ જે તે રેન્જમાં કરવામાં આવતી હોય છે.
આ એનિમલ કેર-સેન્ટર બનવાથી દાહોદ જિલ્લામાં કોઇ પણ સ્થળે દીપડાનું મૃત્યુ થાય અથવા ઇજા થાય તેવા સંજોગોમાં એનિમલ કેર-સેન્ટર ઉચવાણ ખાતે લાવી સારવાર તેમજ મૃત્યુના સંજોગોમાં પોસ્ટમોર્ટમ કરી શકાય. હાલમાં બે દીપડાઓને રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા એનિમલ કેર-સેન્ટરમાં ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.