તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલાયદી વ્યવસ્થા:ત્રીજી લહેરમાં પ્રસૂતિની તારીખવાળી મહિલાઓની આશા-આંગણવાડી વર્કર્સ મારફત તકેદારી રખાશે

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 8000 પ્રસૂતિની સંભાવના : ઝાયડ્સમાં અલાયદી વ્યવસ્થાનું પણ આયોજન

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે ત્યારે, બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સંભવિત પ્રસુતિની શક્યતા ધરાવતી ૮ હજાર જેટલી સગર્ભા મહિલાઓના આરોગ્ય વિશેષ તકેદારી રાખવાનું નિયત કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના અનુભવો પરથી એવું તારણ નીકળ્યું છે કે, પ્રથમ લહેરમાં ૬૦ વર્ષથી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હતા.

પ્રથમ લહેરમાં આ વયજૂથના કોમોરબિડી ધરાવતા લોકોના મૃત્યું અન્ય કરતા વિશેષ થયા હતા. એ જ પ્રમાણે બીજી લહેરમાં યુવાનોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. એટલે, કોરોના વાયરસનો ટ્રેન્ડ એજ ગ્રુપ શિફ્ટ કરતો રહ્યો છે. એમ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે.સગર્ભા મહિલાઓની નોંધણી સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવે છે અને આવી મહિલાઓને મમતા કાર્ડ આપવામાં આવે છે. આશા વર્કર દ્વારા આવી મહિલાઓના આરોગ્યની સંભાળ રાખવામાં આવે છે.

દાહોદમાં આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કુલ ૮ હજાર જેટલી મહિલાઓની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે. આ માસમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શક્યતાને ધ્યાને રાખીને આ મહિલા અને તેના બાળકોને સંક્રમણ લાગવાની શક્યતા વધુ રહી છે. આ બાબતને ધ્યાને રાખીને આશા વર્કર અને આંગણવાડી કાર્યકર દ્વારા આવી મહિલાઓની વિશેષ સંભાળ લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. સગર્ભા મહિલાઓને સંક્રમણથી કેવી રીતે બચી શકાય એ બાબતની સ્પષ્ટ સમજણ આપવાની સાથે તેને પૂરક પોષણ પણ આંગણવાડી કાર્યકર મારફત આપવામાં આવી રહ્યું છે.

દાહોદ શહેર સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ માટે અલાયદી વ્યવસ્થાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવજાત શિશુને કોરોના થાય એવા કિસ્સામાં માતાને પણ તેમની સાથે રાખવાની બાબત પણ વિચારવામાં આવી રહી છે. સમગ્ર દાહોદમાં પ્રતિ વર્ષ ૬૦ હજાર જેટલી પ્રસુતિ થાય છે. એ પૈકી ૧૫ ટકા સુધીના કિસ્સામાં સિઝેરિયન કરવું પડે છે. આ ઉપરાંત માત્ર એકાદ ટકા જેટલી ડિલિવરી ઘરે થાય છે. કોરોના વાયરસની ત્રીજી લહેરની તૈયારીઓ કરી છે.

અન્ય સમાચારો પણ છે...