મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભીલ સમાજ દ્વારા જળ સંરક્ષણ માટે ઐતિહાસિક પરંપરા "હલમાં" નો ઉપયોગ કરી સકારાત્મક પરિણામ મેળવ્યાં હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "મન કી બાત" કાર્યક્રમમાં કરી હતી. તેમાંથી પ્રેરણા મેળવી દાહોદ તાલુકાના જુના પાણી ગામમાં પણ કોઈ પણ પ્રકારના સરકારી અનુદાન વિના માત્ર શ્રમ-દાનથી જ ગામ લોકોએ તળાવ નિર્માણનુ કાર્ય શરુ કર્યુ છે.
"હલમા" એટલે ગામના લોકો પોતાની સમસ્યાઓનાં નિરાકરણ માટે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કે આર્થિક ઉપાર્જનની આકાંક્ષાઓ વગર મદદની ભાવનાથી શ્રમ-દાન કરે. આ પ્રકારે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામા તળાવો બનાવી જળ સંરક્ષણ માટેની સફળ કામગીરી કરવામા આવે છે. આ કામગીરીની સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત એપ્રિલ મહિનામાં મન કી બાત કાર્યક્રમમાં બિરદાવી હતી. જેનાથી પ્રોત્સાહિત થઈ દાહોદના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર ધર્મેન્દ્ર પંચાલે આ વાત દાહોદ તાલુકાના જુના પાણી ગામના ગ્રામજનો સમક્ષ મુકી હતી. જેને ગ્રામ જનોએ સહર્ષ સ્વીકારી લીધી હતી.
ગ્રામજનો દ્વારા સર્વ સંમતિથી ગામની પાસે જ જગ્યાની પસંદગી કરવામા આવી હતી. ત્યારબાદ અક્ષય તૃતિયાના દિવસે આ શુભ કાર્યનો આરંભ કરવામા આવ્યો હતો. જ્યારે આ તળાવ આકાર પામશે ત્યારે ઓછામાં ઓછા એક ફળિયાના 500 જેટલા ગ્રામજનોને તેનો લાભ થવાની આશા છે. ગામનાં આગેવાન એવાં આલમ ડામોર, નરેશ માવી, જાલમ ડામોર, કાળુંભાઈ, વિજયભાઈ વગેરે પણ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.