ભાસ્કર એનાલિસીસ:દાહોદમાં ગરમીથી બચવા મે ના 13 દિવસમાં જ લોકોએ વધારાના 3 લાખ વીજ યુનિટ વાપર્યા

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાહોદ શહેરમાં અંદાજે 1.30 લાખની વસતિમાં 40 હજારથી વધુ વીજકનેક્શન્સ છે
 • યુનિટદીઠ સરેરાશ 6 લેખે 20.17 લાખની વધારે વીજળી વપરાઇ
 • એપ્રિલના અંતિમ પખવાડિયામાં 46,56,850 યુનિટના વપરાશ સામે મેના 13 દિ’માં 49,93,150 યુનિટનો વપરાશ

દાહોદ શહેરમાં કાળઝાળ ગરમીથી વીજ ઉપકરણો જ પ્રજાનું રક્ષણ કરી રહ્યા છે. જેથી મે માસમાં વીજ માગમાં જબરજસ્ત વધારો થયો હોવાનું જોવાઇ રહ્યું છે. દાહોદ શહેરમાં અંદાજે 1.30 લાખની વસતિમાં 40 હજારથી વધુ ઘરેલુ અને કોમર્શિયલ વીજ કનેક્શનો છે. જેટકોના દાહોદ અને ખરેડી સબસ્ટેશનની શહેરને વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા 11 ફીડર દ્વારા લોકોના ઘરોમાં વીજળી પહોંચી રહી છે. એપ્રિલ માસની સરખામણીમાં મે માસમાં વીજ વપરાશ એકાએક જ વધેલો જોવા મળી રહ્યો છે.

ગરમીથી બચવા એપ્રિલ માસના અંતિમ પખવાડિયામાં દાહોદ શહેરમાં લોકોએ 4656850 યુનિટ વીજ વપરાશ કર્યો હોવાનું નોંધાયુ હતું.તેની સામે મે માસના 13 દિવસમાં 4993150 યુનિટ વીજ વપરાશ થયો છે. એટલે કે, ગરમીથી તોબા પોકારેલી પ્રજાએ એપ્રિલની સરખામણીએ મે માસમાં 336300 વધારાના વીજ યુનિટ ફૂંકી નાખી ગરમી સામે રક્ષણ મેળવ્યુ હતું. જેમાં છેલ્લા સાત દિવસમાં તો પારો 46 ડિગ્રીને આંબતાં અને કાળઝાળ ગરમીને કારણે આકાશમાંથી અગનગોળાની અનુભૂતિ થતાં ગરમી સામે રાહત આપતાં વીજ ઉપકરણો 24 કલાક ધમધમી રહ્યા છે.

વીજ યુનિટની રૂપિયામાં ગણતરી કરાય તો એપ્રિલના અંતિમ પખવાડિયામાં શહેરમાં ~2,79,41,100ના વીજ વપરાશ સામે મેના પ્રથમ 13 દિવસમાં 2,99,58,900 રૂપિયાનો વીજ વપરાશ થયો હતો. એટલે કે, મેના 13 દિવસમાં પ્રજાએ ~2017800ની વધારાની વીજળી ગરમી સામે રક્ષણ મેળવવા બાળી નાખી હતી.

લોડ વધતા 13થી 14 સ્થળે ડીપી રીચાર્જ કરવામાં આવ્યા
દાહોદ શહેરમાં વધતી વીજ માગને પહોંચી વળવા માટે દર્પણ રોડના નામે 11 કેવીનું નવું ફીડર ઉભુ કરવામાં આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાભાવિકપણે વીજ વપરાશ વધતો હોય છે ત્યારે ગઇ વખતે લોડ વધારે રહ્યો હતો શહેરના તે વિસ્તારોને લોકેટ કરીને ત્યાંના 13થી 14 જેટલા ડીપી પણ રીચાર્જ કરવામાં આવ્યા છે. > પંકજ થાનાવાલા,કાર્યપાલક ઇજનેર,દાહોદ જિલ્લો

8 દિવસોમાં ગરમીનો પારો

 • 7મે-44 ડિગ્રી
 • 8મે-46 ડિગ્રી
 • 9મે-44 ડિગ્રી
 • 10મે-45 ડિગ્રી
 • 11મે-45 ડિગ્રી
 • 12મે-44 ડિગ્રી
 • 13મે-42 ડિગ્રી
 • 14મે-41 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...