બેદરકાર તંત્ર:સંજેલી પંચાયતમાં રૂ. 3.5 લાખના ખર્ચે લવાયેલા ડસ્ટબિન વિતરણ વિનાના રહ્યા

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ કહે છે કે, કંઈકને કંઈક કામમાંને કામમાં ડસ્ટબિન વિતરણ કરવાના રહી ગયા છે

સંજેલી પંચાયત દ્વારા 15માં નાણા પંચમાંથી નગરમાં સ્વચ્છતા જાળવવા માટે લાખોનાં ખર્ચે ખરીદાયેલા ડસ્ટબિનનું આજ સુધી નગરમાં વિતરણ જ કરાયુ નથી. ડસ્ટબીનના અભાવે કચરાના ઢગ જોવા મળે છે. આ મામલે તંત્ર બેદરકાર રહ્યુ છે કે કોઇ હયગય કરાયાની ચર્ચા બની છે. વડાપ્રધાન દ્વારા દરેક ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા અભિયાનની યોજના અમલમાં મુકી છે. ઘરે ઘરે શૌચાલય તેમજ નગરમાં સુકો અને ભીના કચરા માટેની યોજના પણ અમલમાં મૂકી છે.

જ્યારે સંજેલી પંચાયત દ્વારા ડસ્ટબિન ખરીદીને 3 માસ જેટલો સમય થયો છતા પણ ડસ્ટબિન બજાર ઉપયોગમાં મૂક્યા નથી. હાલ મુખ્ય માર્ગ સહિત રસ્તાઓ ઉપર કચરાઓ અને ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. 22 જુલાઈ 2021 ના રોજ 3,56,000 રૂ.ના ખચે 80 લીટરના 400 નંગ ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી હોવાનું જાહેર કરાયુ હતું. જોકે ડસ્ટબિન નગરમાં ઉપયોગમાં મૂકવામાં ન આવતા માત્ર કાગળ ઉપર જ ખરીદી થઇ હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.

ફરી વખત જાણ કરી દઉં છું
પંચાયત દ્વારા ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ પણ બજારમાં મૂકવા માટે જણાવ્યું હતું તેમ છતાં મૂકવામાં આવ્યું નથી ફરી વખત જાણ કરી દઉં છું. - સુરેશ ગાંવિત, ટીડીઓ

સોમવારે વિતરણ કરી દઉં છું
સંજેલી પંચાયત દ્વારા ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે પરંતુ કંઈક ને કંઈક કામમાંને કામમાં રહી ગયા છે અને સોમવારે વિતરણ કરી દઉં છું. - કીરણભાઇ રાવત , સરપંચ, સંજેલી

અન્ય સમાચારો પણ છે...