ક્રાઇમ:રાણાપુરમાં પોલીસ જોઇ દારૂ સાથે બાઈક મૂકી ખેપિયો ફરાર

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઇ વાળવા જતાં બાઈક સ્લિપ ખાતાં ચાલક ભાગી ગયો

દાહોદ તાલુકાના રાણાપુરમાં વોચમાં ઉભેલી પોલીસને દૂરથી જોઇ ખેપિયો બાઈક પાછી વાળવા જતાં સ્લીપ ખાઇ જતાં 55 હજાર 200ના દારૂના જથ્થો સાથે બાઈક મુકીને નાસી ગયો હતો. જથ્થો તથા બાઈક મળી 95,200 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી રાણાપુરના યુવક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ તાલુકા પોલીસ મથકના સિ.પી.એસ.આઇ. એમ.એફ.ડામોર, પી.એસ.આઇ ડી.ટી.ડામોર તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રાણાપુર મોહન ફળીયાના રસ્તેથી રાણાપુર ગામનો રહેવાસી પ્રતાપ નારસિંગ હઠીલા તેના કબજાની બાઈક પર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને આવનાર છે. જેના આધારે પોલીસ રાણાપુર મોહન ફળિયાના જંગલ વિસ્તારમાં કાચા રસ્તે વોચમાં હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબ બાઈક પર કંતાનના થેલામાં લગડુ બનાવી દારૂ ભરી આવતો ચાલક દૂરથી પોલીસને જોઇ પાછી વળાવી ભગાવવા જતાં સ્લીપ ખાઇ જતાં બાઈક મુકી જંગલ વિસ્તારમાં થઇ ભાગી ગયો હતો.

જ્યારે બાઈક ઉપર કંતાનના થેલાઓમાં તલાસી લેતાં દારૂની પેટીઓમાં 55,200ની કુલ બોટલો નંગ-456 બોટલો મળી આવી હતી. જથ્થો તથા 40 હજારની બાઈક મળી કુલ કિા.રૂ.95,200 ના મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલા રાણાપુરના પ્રતાપ નારસિંગ હઠીલા સામે દારૂનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...