લૂંટથી ફફડાટ ફેલાયો:ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામમાં ચાર શખ્સોએ પરિવારને બાનમાં લઈ રૂ. 1.98 લાખની લૂંટ ચલાવી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાતના 1 વાગ્યે મકાનની દિવાલમાં બાકોરુ પાડી લુંટારૂઓ ઘરમાં ઘુસી ગયા સોનાના દાગીના, રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ચાર શખ્સો ફરાર ચાકલીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે એક મકાનમાં રાત્રીના સમયે ચાર અજાણ્યા લુંટારૂઓએ મકાનની દિવાલમાં બાકોરૂં પાડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તેમજ ઘર માલિક સહિત પરિવારજનોને બાનમાં લઈ રોકડા રૂપિયા 98 હજાર અને સોનાના દાગીના મળી કુલ રૂ. 1 લાખ 98 હજારની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી હતી. જેને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે હોળી ફળિયામાં રહેતાં સાકીદઅલી અબ્બાસભાઈ ખરોદાવાલા અને તેમના પરિવારજનો રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં સૂતા હતાં. ત્યારે રાત્રીના 1 વાગ્યાની આસપાસ ચાર જેટલા 15થી 30 વર્ષની ઉંમર ધરાવતાં ચોર-લુંટારૂઓએ મકાનની દિવાલમાં બાકોરૂં પાડ્યું હતું. તેમજ રસોડાના રૂમ નજીક આવેલી બારીના સળીયા વાંકા વાળી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જો કે અવાજ સાંભળી સાકીદઅલી સહિત તેમના પરિવારજનો જાગી ગયાં હતાં.

ચોર-લુંટારૂઓએ પરિવારને બાનમાં લઈ ઘરમાં મુકી રાખેલા રોકડા રૂપિયા 98 હજાર તથા સાકીદઅલીની પત્નીએ પહેરેલી રૂા. 75 હજારની કિંમતની સોનાની બંગડી તેમજ રૂા. 25 હજારની કિંમતની સોનાની વીંટી એમ કુલ મળી રૂા. 1 લાખ 98 હજારની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી હતી. આ લુંટારૂઓ અંધારાનો લાભ લઈ નાસી જતાં પંથકમાં મધ્યરાત્રીના સમયે ચકચારની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ સંબંધે સાદીકઅલી અબ્બાસભાઈ ખરોદાવાલાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...