વેક્સિનેશનનો ઉત્સાહ:રાજસ્થાનમાં વેક્સિન આપવાનું બંધ કરાતાં 30 લોકોએ 12 હજારનો ખર્ચ કરી ગુજરાતમાં વેક્સિન મુકાવી

દાહોદ2 વર્ષ પહેલાલેખક: ઇરફાન મલેક
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મૂંઝવણમાં મુકાયા છે. વિદેશમાં કોવિશીલ્ડને જ માન્યતા હોવાથી હવે આ લોકોએ ગુજરાત તરફ ડોળો ફેરવ્યો છે. હજારો રૂપિયાનો ખર્ચ કરીને આવા લોકો 100 કિમી દૂર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. રવિવારે 12 હજાર રૂપિયાના ખચે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી દાહોદના સંજેલી આવેલા 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

ડુંગરપુરથી ગુજરાત રસી લેવા આવ્યા
દાહોદ જિલ્લાના સંજેલી CHCમાં રવિવારના રોજ વેક્સિનેશનની કામગીરી ચાલુ હતી ત્યારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડાથી આવેલાં મહિલા-પુરુષોનાં ટોળાંએ વેક્સિન લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ છે અને તમામને વિદેશ જવાનું હોવાથી કોવિશીલ્ડ વેક્સિન મુકાવવાની હોવાથી તેઓ અહીં આવ્યા હતા. વિદેશ જવા ઇચ્છુક 18થી 44 વર્ષની વય ધરાવતી 21 મહિલા, 8 પુરુષ અને તેમની સાથે આવેલા ગાડીનો ડ્રાઇવર મળીને 30 લોકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમામને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ત્રણ ગાડી ભાડે કરી હતી
રવિવારના રોજ સંજેલી CHCમાં કુલ 44 લોકોનું રસીકરણ નોંધાયું હતું, જેમાંથી 30 લોકો સંજેલીથી 100 કિમી દૂર સાગવાડાના હતા. આ 30 લોકો ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતા, જેમાંથી ત્રણ ગાડી તો તેમણે ભાડે કરી હતી. ગુજરાતના સંજેલીમાં મફતમાં રસી મુકાવવા માટે વિદેશ જવા ઇચ્છુક રાજસ્થાનના આ લોકોએ 12 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. દાહોદ જિલ્લામાં હાલમાં પણ વેક્સિન લેવા પ્રત્યે ઉદાસિનતા રાખતા લોકો માટે આ બોધ સમાન કિસ્સો છે.

બે દિવસથી વેક્સિનેશન બંધ છે
ઉદયપુર, ડુંગરપુર અને બાંસવાડામાં બે દિવસથી વેક્સિનેશન બંધ છે અને હજી બંધ રહેશે એવું સંભળાઈ રહ્યું છે. સંજેલી ક્યાં આવ્યું એ પણ અમને ખબર ન હતી. કોવિશીલ્ડનો સ્ટોક હોવાનું અમે ઓનલાઇન જોયું હતું, જેથી અમે અને સમાજના વિદેશ જવા ઇચ્છુક લોકો અહીં આવ્યા હતા. સંજેલીમાં જ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ અમે બધાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. - હબીબ ઓબરી, સાગવાડા, રાજસ્થાન.

12 હજાર રૂપિયાનો અંદાજિત ખર્ચ થયો
સાગવાડાથી ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતા. એમાંથી ત્રણ ગાડી ભાડે કરી હતી. અમને બધાને અંદાજે 12 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. અમારે બધાને ગલ્ફ કન્ટ્રીમાં જવાનું છે. બીજો ડોઝ લાગી ગયા બાદ અમે વિદેશ જઇશું. - અબ્દેઅલી પાસરિયા, સાગવાડા, રાજસ્થાન.

ગાડીના રાજસ્થાની ચાલકે પણ રસી મુકાવી
સંજેલીમાં વેક્સિનન માટે આવેલા લોકોની ગાડી હંકારી સંજેલી લાવનાર સાગવાડાના 30 વર્ષીય મોહસિન મકરાણીએ પણ વેક્સિન લેવા માટેનો રસ દાખવ્યો હતો, જેથી તેનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને મોહસિનને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મોહસિનને વિદેશ નથી જવાનો, પરંતુ વેક્સિનની મહત્તતા સમજાતાં તેણે આ નિર્ણય લીધો હતો.