તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધિંગાણુ:ઝાલોદના જાફરપુરામા જમીનના ઝઘડામા હથિયારો ઉછળતા 6 ઈજાગ્રસ્ત, સામસામે ફરિયાદ નોંધાઇ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવને પગલે ગામમાં ભયનું વાતાવરણ

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે જમીન સંબંધી મામલે ગામમાં રહેતાં બે પરિવારોમાં ઝઘડો તકરાર થતાં ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં બંન્ને પરિવારો વચ્ચે મારક હથિયારો ઉછળતાં બંન્ને પક્ષોના મહિલા સહિત કુલ 6 જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જેથી બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવને પગલે ગામમાં ભયનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતું.

જાફરપુરા ગામે પીપળી ફળિયામાં રહેતાં વિનેશ મોતીભાઈ, સુરેશ મોતીભાઈ, શૈલેષ મોતીભાઈ, રમીલા વિનેશભાઈ, મંજુલા સુરેશભાઈ અને રતની શૈલેષભાઈ તમામ જાતે ડામોરે પોતાની સાથે લાકડીઓ, તલવાર, ધારીયા જેવા મારક હથિયારો સાથે દોડી આવી પોતાના જ ગામમાં રહેતાં મહેશ મોતીભાઈ ડામોરના ઘર તરફ દોડી આવ્યાં હતાં. ગાળો બોલી કહેવા લાગેલા કે, તું, સર્વે નંબર 60 વાળી જમીનમાં કેમ વાવેતર કરે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ટોળાએ ભારે ધિંગાણું મચાવ્યું હતું અને મહેશભાઈના પગના ભાગે કુહાડી મારી લોહીલુહાણ કરી નાંખ્યાં હતાં. ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ઉપરોક્ત ટોળું નાસી ગયું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશ મોતીભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સામા પક્ષેથી જાફરપુરા ગામે પીપળી ફળિયામાં રહેતાં વિનેશ મોતીભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા. 4 જુલાઈના રોજ તેમના જ ગામમાં રહેતાં મહેશ મોતીભાઈ, ભાવેશ મહેશભાઈ, જીજ્ઞેશ મહેશભાઈ, યજ્ઞેશ મહેશભાઈ તમામ જાતે ડામોરનાઓએ પોતાની સાથે લાકડીઓ, તલવાર, લોખંડની પાઈપ, ધારીયા વગેરે લઈ વિનેશના ઘર તરફ ઘસી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, આ જમીન મારી છે, કેમ ખેડો છો, તેમ કહેતાં વિનેશે કહેલું કે, આ જમીન અમોએ વેચાણમાં રાખેલી છે. આમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાયાં હતાં અને પોતાની સાથે લાવેલા હથિયારો વડે વિનેશ, શૈલેષ, રમીલાબેન અને ભાવેશ વગેરેને માર મારી શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે વિનેશ મોતીભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...