ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના સંચાલક દ્વારા રોડ પર પાણી છોડવામાં આવે છે. આ પાણીના નિકાલ માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય પેટ્રોલ પંપની આજુબાજુ આવેલી દુકાનો આગળ પાણી ભરાતા દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે અવારનવાર જવાબદારો સમક્ષ રજૂઆતો કર્યા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નિકાલના અભાવે દુકાનો આગળ પાણી ભરાય છે
ઝાલોદ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના સંચાલકો અને કર્મચારીઓ દ્વારા કેટલાક સમયથી રોડ પર અવાર નવાર પાણી છોડવામાં આવે છે. આ પાણીના નિકાલ માટે ઝાલોદ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાનતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ન હોવાથી આ પાણી પેટ્રોલ પંપની આજુબાજુમાં આવેલી દુકાનો આગળ ભરાઈ રહે છે. જે તે દુકાનોમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને પણ દુકાનમાં આવવા માટે અગવડતા પડી રહી છે. જેની સીધી અસર પેટ્રોલ પંપની આજુબાજુ આવેલી દુકાનોના વેપાર ધંધા પર પડી રહી છે. આ મામલે પેટ્રોલ પંપના માલિકને પણ વેપારીઓ દ્વારા કેટલીય વાર પાણીના યોગ્ય નિકાલ માટેનો ઉપાય કરવા કહેવામાં આવ્યું હતું.
જવાબદારો ને જાણ કરવા છતાં પરિણામ શૂન્ય
આ મામલે નગરપાલિકાના જવાબદારોને વેપારીઓ દ્વારા અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પાલિકા દ્વારા આ સંદર્ભે પેટ્રોલ પંપના માલિક સામે પગલા લેવામાં ન આવતા અને પાણીના નિકાલ માટેની કોઈ સુવિધા પાલિકા દ્વારા ઉપલબ્ધ ન કરાવાતા આ મામલે વેપારીઓ ઉચ્ચ સ્તરે રજુઆત કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. વેપારીઓની આ સમસ્યાને પાલિકા દ્વારા ગંભીરતાથી ધ્યાને લઈ તાકીદે ઘટતું કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.