ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામનો એક યુવક પોતાની દુકાન પર બેઠો હતો. તે વખતે ગામના જ એક વ્યકિતએ પ્રેમ સંબંધ મામલે યુવક પર હુમલો કર્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
સમી સાંજે યુવકની દુકાને આવી તકરાર કરી
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના ઉમરીમાળ ફળિયામાં રહેતા અજીતભાઈ ભાવસીંગભાઈ ડામોર ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે ઝાલોદથી મુવાડા તરફ જતાં રોડ ઉપર એચ.ડી.એફ.સી બેન્કની સામે આવેલી તેમની દુકાન પર હાજર હતા. તે દરમ્યાન નાનસલાઈ ગામના વચલા ફળિયામાં રહેતા મનુભાઈ વાલસીંગભાઈ ડામોર અજીતભાઈ ડામોરની દુકાને આવ્યો હતો.
હવે નજર પણ નાખીશ તો જાનથી મારી નાંખીશ
અજીતભાઈ ડામોરને બેફામ ગાળો બોલી 'તુ મારી છોકરી સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે' ? તેમ કહી તેના હાથમાં પહેરેલા ભોરીયા વડે અજીતભાઈ ડામોરને માથામાં મારમારી તથા શરીરે ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. હવે પછી મારી છોકરી સામે નજર કરીશ તો તને જાનથી મારી નાંખીશ કહી ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત અજીતભાઈ ભાવસીંગભાઈ ડામોરે મનુભાઈ વાલસીંગભાઈ ડામોર વિરૂદ્ધ ઝાલો પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.