કાર્યવાહી:હિંગલામાં તુ ગામનો સરપંચ છે કહી કુટુંબીઓનો હુમલો, લોખંડનો સળિયો મારતા કાને ઇજા, 4 કુટુંબીઓ સામે ફરિયાદ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુખસર પોલીસે ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી હાથ ધરી

ફતેપુરા તાલુકાના હિંગલામાં તુ ગામનો સરપંચ થઇ ગયો છે તેમ કહી બિભત્સ ગાળો બોલી એકને ચાર કુટુંબીઓએ રસ્તામાં રોકી માર મારી લોખંડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. સુખસર પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેપુરા તાલુકાના હિંગલા ગામના ચંદ્રેશભાઇ ભાવલાભાઇ કટારા તથા તેમના પત્ની ઇલાબેન ગામમાં એક લગ્નની ચાંદલાવિધી પતાવી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં ઘરે જતા હતા. તે દરમિયાન તેમના કુટુંબી સિધ્ધાર્થ અશ્વિન કટારા, નવિન્દ્ર ધોળસીંગ કટારા, દિનેશ ધોલશીંગ કટારા તથા હરેશ ધોળસીંગ કટારા ચંદ્રેશભાઇ પાસે આવી તુ ગામનો સરપંચ થઇ ગયો છે તેમ કહી ગમે તેમ બિભત્સ ગાળો બોલતા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતાં ચારેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ ચંદ્રેશભાઇને પકડી રાખતાં ધોળસીંગે ગાલ ઉપર થપ્પડો ઝીંકી દીધી હતી. તેમજ સિધ્ધાર્થ કટારાએ સળિયો મારતા માથામાં કાનના ઉપરના ભાગે ઇજા થઇ હતી.

આ દરમિયાન ચંદ્રેશભાઇ કટારાની પત્ની ઇલાબેન તથા ભાભી કમળાબેન સામજીભાઇ કટારાએ દોડી આવી વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા. ત્યારે આજે તુ બચી ગયો છે પણ હવે પછી પાછો ગમે ત્યાં મળીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા નાસી ગયા હતા. આ સંદર્ભે ચંદ્રેશભાઇ ભાવલાભાઇ કટારા કુટુંબી હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં સુખસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...