પાંચ રૂપિયા માટે ધિંગાણું:​​​​​​​ગરબાડાના ભુતરડીમાં પંચાણામાં પાંચ રૂપિયા ઓછા પડતાં 8 લોકોએ ધિંગાણુ મચાવ્યું

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણથી ચાર વ્યકિતઓને લાકડીઓ અને છુટ્ટા પથ્થરો મારી ઈજા પહોંચાડતા ફરિયાદ ગામમાં પરિણિતાને સાસરીમાં મોકલાવાની હોવાથી પંચ ભેગુ કરવામાં આવ્યું હતું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભુતરડી ગામે પરિણિતાને સાસરીમાં મોકલાવાની હોવાથી પંચ ભેગુ કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમાં મુકવામાં આવતાં રૂપીયા પૈકી માત્ર પાંચ રૂપીયા ઓછા પડતાં સાસરી પક્ષના 8 જેટલા લોકોએ ભારે ધિંગાણું મચાવી ત્રણથી ચાર જણાને લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. જેથી પંથકમાં ચકચાર મચી હતી.

ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ખેડા ફળિયામાં રહેતાં ફકરૂભાઈ સુરતાનભાઈ ભાભોરની દિકરીને સાસરીયામાં મોકલવાની હતી. જે બાબતે આગેવાનો તથા સાસરી પક્ષના તેમજ પિયર પક્ષના લોકો ભેગા થયાં હતાં. આ દરમિયાન ગોળધાણા વહેંચીને લઈ રૂપિયા 20-20ની વહેંચણી કરતાં હતાં. આ દરમિયાન માત્ર પાંચ રૂપીયા ઓછા પડ્યા હતા. ત્યારે ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે રહેતાં વિરસીંગ છગનભાઈ પરમાર, અજય વિરસીંગભાઈ પરમાર, હરમલ બચુભાઈ પરમાર, કમલેશ હરમલભાઈ પરમાર, મેહુલ હરમલભાઈ પરમાર, સંજુ ગોરચંદભાઈ પરમાર, પરસુ બચુભાઈ પરમાર અને અજય પરસુભાઈ પરમાર નામના શખ્સોએ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આ લોકોએ બેફામ ગાળો બોલી હાથમાં મારક હથિયારો ધારણ કરી અને કીકીયારીઓ કરતાં કરતાં ધસી આવ્યા હતા.

આ દરમિયાન ઉપરોક્ત લોકોએ લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે અને ગડદાપાટ્ટુનો માર મારી સંજય નાનસીંગભાઈ પરમાર તથા તેમની સાથેના માણસોને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ફકરૂભાઈ સુરતાનભાઈ ભાભોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...