દાહોદથી ગત 7મી મેની રાતે મોટર સાયકલ ઉપર કાકડખીલા જઈ રહેલા બે યુવકોને ગાંગરડી ફળીયા ગામે ચાર જેટલા ઈસમો રસ્તામાં રોકી દંડા વડે માર મારી એક મોબાઈલ ફોન તથા 20 હજાર રોકડાની લુંટ કરી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. જેના પગલે ખડદા ગામના ત્રણ શખ્સ સહિત ચાર લોકો સામે ધાનપુર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધાનપુર તાલુકાના મંડોર ગામના વાઘ ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રતાપભાઈ હઠીલા તથા તેના સાઢુ સવસીંગભાઈ નારૂભાઈ હઠીલા તા. 7 મેના રોજ રાત્રે મોટર સાયકલ ઉપર દાહોદથી કાકડખીલા ગામે જતા હતા. તે દરમિયાન ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામે ચીમનકુવા ફળીયામાં રોડ પર હાથમાં દંડા લઈને ઉભેલા ખડદા ગામના પપ્પુ સંગોડ, સુનીલ હરમલ ભુરીયા, રાજુ સંગોડ તથા અન્ય એક મળી ચાર જણાએ મહેશભાઈ હઠીલા તથા સવસીંગભાઈ નારૂભાઈ હઠીલાની બાઇક રસ્તામાં રોકી બંનેને દંડા વડે માર માર્યો હતો.
ઉપરાંત શખ્સો મહેશભાઈ હઠીલા પાસેથી 3 હજારની કિંમતનો મોબાઈલ ફોન તથા સવસીંગભાઈ નારૂભાઈ હઠીલાના ખિસ્સામાં મૂકી રાખેલા રૂા. 20 હજારની રોકડ મળી રૂા. 23 હજારની મત્તાની લુંટ કરી બન્નેને મારી નાંખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ સંદર્ભે મહેશભાઇ પ્રતાપભાઇ હઠીલાએ ખડદા ગામના ત્રણ સહિત ચાર સામે ધાનપુર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.