દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામે એક યુવક ઉપર પોતાની પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી એક શખ્સ અને તેના ભાઈએ માર મારી ધાકધમકીઓ આપી હતી. યુવક આ મારથી કંટાળી અને ડરી જતાં તેણે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામે લીમઘાટી ફળિયામાં રહેતાં સુક્રમ ભુંડાભાઈ સંગાડા અને મુકેશ ભુંડાભાઈ સંગાડાએ પોતાના ગામમાં રહેતાં 27 વર્ષીય ભરતભાઈ હિરાભાઈ ભાભોરને સુક્રમભાઈની પત્ની સાથે આડો સંબંધ હોવાનો ખોટો વહેમ રાખી કોલર પકડી, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી ધાકધમકી આપી હતી. ત્યારે મારથી અને ધાકધમકીથી હેરાન પરેશાન ભરતભાઈએ પોતાના ઘરના સરાના લાકડા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ સંબંધે ફતેપુરા તાલુકાના મારગાળા ગામે રહેતાં બચુભાઈ હિરાભાઈ ભાભોરે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.