લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ:દાહોદના ફતેપુરામાં પિતા-પુત્રએ સરકારી જમીન પચાવી પાડી બાંધકામ કરી લેતા ગુનો નોંધાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત પાસેની ગામતળની જમીન પર દબાણ કરતા મામલતદારે જ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફરી એકવાર લેન્ડ ગ્રેબીંગનો કિસ્સો સામે આવતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં પિતા - પુત્રએ એકબીજાના મેળાપીપણામાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી જમીન પચાવી પાડી બાંધકામ કરી દીધુ હતુ. આ અંગેની જાણ ફતેપુરા મામલતદારને થતાં મામલતદાર દ્વારા જ પિતા - પુત્ર વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ફતેપુરાના ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

દાહોદ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યાં છે અને તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, થોડા સમય પહેલાં પણ કેટલાંક ભુમાફિયાઓ દ્વારા લોકોની જમીનોમાં ગેરકાયદે પ્રવેશ કરી, બાંધકામ કરી, ધાકધમકી આપી જમીનો પચાવી પાડવાના કિસ્સા સામે આવ્યાં હતાં. આ ઉપરાંત ભુમાફીયાઓ સરકારી જમીનોમાં પણ હવે પગ પેસારો કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે .

ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે રહેતાં વસંતલાલ નાનાલાલ કલાલ તથા પંકજભાઈ વસંતલાલ કલાલ આ બંન્ને પિતા - પુત્ર દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દરવાજા પાસે આવેલ રે.સ.નં. ૩૩૪ (જુનો ૧૩૫/૨/૧) તથા રેવન્યું નંબર ૩૩૪ (જુનો ૧૩૫/૨) વાળી ગામતળની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી જમીન પચાવી પાડવા દબાણ કરી નાંખ્યું હતું. જમીન ઉપર બીન અધિકૃત રીતે બાંધકામ પણ કરી નાંખ્યું હતું. બાંધકામ કરી જમીન પચાવી પાડતાં આ અંગની જાણ ફતેપુરા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પ્રવિણભાઈ નારણભાઈ પરમારને થતાં તેઓ દ્વારા પિતા - પુત્ર વસંતલાલ નાનાલાલ કલાલ અને તેમનો પુત્ર પંકજભાઈ વસંતલાલ કલાલ વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક્ટ મુજબ ગુનો નોંધી ઉપરોક્ત બંન્ને ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...