છોકરી ભગાડી જવાની અદાવતે ધિંગાણું:​​​​​​​ધાનપુરના સજોઈમાં 10 લોકોના ટોળાએ ત્રણ વ્યક્તિઓને માર મારી ઈજાઓ પહોંચાડતાં ફરિયાદ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ​​​​​​​

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ ગામે છોકરી ભગાડી જવાની બાબતનો નિકાલ કરવા મામલે 10 જેટલા ઈસમોના ટોળાએ હુમલો કર્યો હતો. તેમણે એક વ્યક્તિના ઘરે આવી એક મહિલા સહિત ત્રણ જણાને ગાળો બોલી લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ધાનપુરના સજોઈ ગામે નિચવાસ ફળિયામાં રહેતાં નગરસિંહ તીતરીયાભાઈ, ધુળીયા તીતરીયાભાઈ, બાબુ નગરસિંહભાઈ, દિનેશ નગરસિંહભાઈ, મુકેશ નગરસિંહભાઈ, રાજુ નગરસિંહભાઈ, ઈકેશ નગરાભાઈ, નરસુ મસુલાભાઈ, બચુ મડીયાભાઈ અને પ્રતાપ નાનજીભાઈ એકસંપ થઈ હથિયારો સાથે ગામમાં રહેતાં નગસિંગભાઈ વાલીયાભાઈ ભુરીયાના ઘરે આવ્યાં હતાં. ત્યાં પહોંચી ગાળો બોલી, "તમે અમારી છોકરી લઈ ગયાં છો અને તેનો નિકાલ કેમ નથી કરતાં, આજે તો તમને જીવતાં નથી છોડવાના" તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી હતી.

આ સિવાય ટોળાએ લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી નરસિંગભાઈ, શાન્તિબેન અને અરવિંદભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. જેથી આ સંબંધે ઈજાગ્રસ્ત નરસિંગભાઈ વાલીયાભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...