દાહોદ તાલુકાના ખરેડી ગામે વિદેશી દારૂના ધંધાની બાતમી પોલીસને આપવા બાબતે 6 જેટલા ઈસમોએ બે જણાને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી તલવારથી હુમલો કર્યો હતો. શખ્સોએ બે વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચાડી રૂા. 7 હજાર અને એક મોપેડની લૂંટ ચલાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ઉકરડી ગામે સુદામા નગર સોસાયટીમાં રહેતાં ઈરફાનબેગ મુર્તુજાબેગ ર્મિજા અને એહમદરઝા એમ બંન્ને જણા એક મોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ રાતના અગિયાર વાગ્યાની આસપાસ ખરેડી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે ત્યાં પંકજ રસુલ ડાભી, મનોજ રસુલ ડાભી, સંદીપ ડામોર, રાકુ ઉર્ફે રાકેશ રમેશ સંગાડા, મીલન છગન અમલીયાર અને એક અજાણ્યા ઈસમે બંનેને રસ્તામાં રોક્યા હતા. તેમજ બેફામ ગાળો બોલી "તું અહીંયા શું કરે છે, તું જ પોલીસને અમારા વિદેશી દારૂના ધંધા વિશે બાતમી આપી અમારો માલ પકડાવે છે, આ પહેલા પણ તે રાત્રીના વોચ કરી ઘણીવાર અમારો માલ પકડાવી અમોને ઘણું નુકસાન કરાવેલ છે. આજે પણ તું અમારી વોચ માટે અહીં ફરે છે" તેમ કહી છ જણા ઉશ્કેરાઈ ગયાં હતાં.
આ શખ્સોએ ઈરફાન બેગને માથાના ભાગે તલવારનો ઘા મારી લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. તેમજ ઈરફાન બેગ અને એહમદ રઝાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. શખ્સો ઈરફાનબેગના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 7 હજાર અને મોપેડ ટુ વ્હીલર વાહનની લૂંટ કરી નાસી ગયા હતા.
આ સંબંધે ઈજાગ્રસ્ત ઈરફાનબેગ મુર્તુજાબેગ ર્મિજાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.