દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું નિર્માણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે હાલમાં જ સાસંદ પુત્રીના લગ્નમાં આવેલા પ્રદેશ પ્રમુખે તેમને સન્માનમાં પહેરાવેલો ચાંદીનો કંદોરો કાર્યાલય નિધિ માટે અર્પણ કર્યો હતો. જે કંદોરો આજે જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારને સુપ્રત કર્યો હતો.
દાહોદ જિલ્લા ભારતીય જનતા પક્ષના કાર્યલયનું નિર્માણ હાલ ચાલી રહ્યુ છે અને તેના ભોંય તળિયા અને પ્રથમ માળના ધાબા પણ ભરાઇ ચુક્યા છે. હવે ત્રીજું ધાબુ ભરાવાની તૈયારી છે. ત્યારે કાર્યકરો, શુભેચ્છકો અને સમર્થકો દ્રારા તન,મન અને ધનથી મદદ મળી રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આશરે 6 માસ પહેલા દાહોદ મુકામે સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે તેમને મળેલી ચાંદીની તમામ ભેટ સોગાદો કાર્યાલય નિધિના નિર્માણ માટે પ્રદેશ પ્રમુખને અર્પણ કરી દીધી હતી. આશરે 7 કિલો જેટલા ચાંદીના ભોરિયા (કડા) તેમજ અન્ય અલંકારો અર્પણ કરી દીધા હતા. ત્યારે આ જ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ વિવિધ નેતાઓએ ચાંદીના ભોરિયા અને કંદોરા પહેરાવી સન્માન કર્યુ હતુ તે તમામ જણસો પણ તુરત જ અને તે જ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપાના કાર્યાલય નિધિ માટે અર્પણ કરી દીધા હતા.
ત્યારબાદ ઘણાં કાર્યકરો મન મુકીને મદદ કરી રહ્યા છે. તેવા સમયે થોડા દિવસ પહેલાં જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાંસદ જશવંતસિંહ ભાભોરના સુપુત્રીના લગ્નમાં મહિમાનગતિ માંણવા આવ્યા હતા. તે સમયે પણ સાંસદે તેઓને ચાંદીનો કંદોરો પહેરાવી સ્વાગત કર્યુ હતુ. ત્યારે તેઓએ પરત જતી વખતે જ આ કંદોરો કાર્યાલય નિધિ માટે અર્પણ કરી દીધો હતો. જે કંદોરો આજે જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારને સુપ્રત કર્યો હતો. આમ જિલ્લા પ્રમુખે કાર્યાલય નિધિ કાજે કરેલો નિર્ણય તેની દિશામાં જ આગળ વધી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લામાં કોઇ પણ નેતા આવે ત્યારે આદિવાસી પરંપરા પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવે છે અને તેમાં આદિવાસી ઝુલડી, પાઘડી, તીર કામઠું આપી ચાંદીના ભોરિયા અને કંદોરા પહેરાવવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત કોઇ નેતાઓ દ્રારા પોતાના પક્ષના જ કાર્યાલય કે જે આજીવન કાર્યકર્તાઓ માટે જ રહેવાનુ છે તેના નિર્માણ માટે પોતાને મળેવી ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.