પ્રેમ પ્રકરણનો લોહિયાળ અંત:દાહોદમાં પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીએ છરીના ઘા મારી હત્યા નિપજાવી, લાશની ઓળખ ના થાય તે માટે પેટ્રોલ છાંટી સળગાવી દીધી

દાહોદ13 દિવસ પહેલા
  • હત્યારા પ્રેમી અને કાયદાથી સંઘર્ષિત બે કિશોરને પોલીસે હત્યા મામલે ઝડપી પાડ્યા
  • સર્પ રેસ્ક્યૂ કરવાના શોખના કારણે મૃતક યુવતી અને હત્યારો સંપર્કમાં આવ્યા હતા

દાહોદના સંજેલી તાલુકાના ભાણપુરા પાસેથી એક યુવતીની મળી આવેલી લાશની ઓળખ થયા બાદ પોલીસે હત્યારાને પણ ઝડપી પાડ્યો છે. મૃતક યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. મૃતક યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પ્રેમીએ છરીના ઘા અને ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ લાશની ઓળખ ના થાય તે માટે પેટ્રોલ નાખી સળગાવી ફરાર થઈ ગયા હતા. હત્યારા પ્રેમીને તેના બે કાયદાથી સંઘર્ષિત સાથીઓએ પણ મદદ કરી હતી. પોલીસે હાલ ત્રણેયની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યારો પ્રેમી મેહુલ
હત્યારો પ્રેમી મેહુલ

એક વર્ષના પ્રેમ પ્રકરણનો કરુણ અંત
મંગળવારે સંજેલીના ભાણપુર ગામે વડલાવાળા જંગલમાંથી એક યુવતીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે યુવતીની ઓળખ કરી તેના પરિવારજનોનો સંપર્ક કરતા યુવતીના પિતા દ્વારા મેહુલ પરમાર નામના યુવક સામે આશંકા વ્યકત કરી હતી. પોલીસે પિતાની આશંકાના પગલે મેહુલ પરમારને શોધી તેની પૂછપરછ કરી હતી. જેમાં મેહુલ ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી હતી. આરોપી અને મૃતક યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ, મૃતકે છેલ્લા બે મહિનાથી આરોપી સાથે બોલવાનું બંધ કરી બ્રેકઅપ કરવાની વાત કરતા મેહુલ ઉશ્કેલાયો હતો અને યુવતીની હત્યા નિપજાવવાનો પ્લાન ઘડ્યો હતો.

બે દિવસ પહેલા યુવતીની અર્ધસળગેલી લાશ મળી આવી હતી
બે દિવસ પહેલા યુવતીની અર્ધસળગેલી લાશ મળી આવી હતી

હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી હતી
આરોપી મેહુલે તેના બે સગીર મિત્રોની મદદથી યુવતીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં રચી કાઢ્યું હતું. ગતરોજ મેહુલ તથા તેના બે સગીર મિત્રો મોટરસાઈકલ લઈ વાંદરીયા ગામે આવ્યાં હતાં. વહેલી સવારના નવેક વાગ્યાના સમયે મેહુલે યુવતીને મળવા માટે ફોન કરી બોલાવી હતી. જેથી યુવતી પોતાનું એક્ટીવા લઈ વાંદરીયા ગામે સાત બંગલા નજીક આવી હતી.આ દરમિયાન મેહુલે યુવતીને પાછળની ભાગે છરી મારતાં તે જમીન પર ઢળી પડી હતી. જે બાદ મેહુલે તેનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી. મેહુલે પોતાનું જેકેટ મૃતક યુવતીને પહેરાવી પોતાના બે સગીર મિત્રોની મદદથી યુવતનીને એક્ટીવા પર બેસાડી સંજેલી રોડ ઉપર સુમસામ માર્ગ ઉપર આવ્યાં હતાં. રસ્તામાં સુથારવાસા નજીક જતાં રોડ ઉપરથી બે બોટલોમાં પેટ્રોલ ખરીદ્યું હતું.ત્યારબાદ મૃતક યુવતીને ભાણપુરા જંગલમાં લઈ ગયાં હતાં અને પથ્થરોની વચ્ચે લાશને સંતાડી મૃતકના મોંઢા ઉપર જ્વલશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી ચહેળો સળગાવી દીધો હતો.

મૃતક યુવતીની ફાઈલ તસવીર
મૃતક યુવતીની ફાઈલ તસવીર

યુવતી કોલેજમાં અભ્યાસ કરતી, આરોપી ધોરણ 10 નાપાસ
યુવતી દાહોદની કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી હતી. જ્યારે આરોપી મેહુલ ધોરણ. 10 નાપાસ છે. મેહુલ સાપ પકડીને રેસ્ક્યુ કરવાનો જાણકાર છે. ત્યારે મૃતકને પણ આ કામગીરીમા રુચિ હોવાથી આ પ્રવૃતિઓ દરમિયાન બંન્ને એક બીજાના પરિચયમાં આવ્યાં હતા અને એક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ છેલ્લા બે ત્રણ માસથી યુવતી મેહુલ સાથે બ્રેક અપ કરવાની કોશિશમાં હતી. જ્યારે મેહુલ તેને ગુમાવવા માગતો ન હતો. જેથી છેવટે મારી નહીં તો કોઈની નહીં જેવો ઘાતક નિર્ણય કરી મેહુલે પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો છે.પોલીસે આરોપી મેહુલ અને હત્યામાં મદદ કરનારા કાયદાથી સંઘર્ષિત બે કિશોરોને આ મામલે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

સાત બંગલા વિસ્તારમાં યુવતીની હત્યા કરાઇ હતી તે સ્થળ
સાત બંગલા વિસ્તારમાં યુવતીની હત્યા કરાઇ હતી તે સ્થળ

હત્યા કરી લાશને યુવતીના જ વાહન પર 46 કિ.મી દૂર જંગલમાં લઇ ગયા
કૃતિકાની હત્યા કર્યા બાદ તેને ઘાયલ કરવા વપરાયેલું ચાકુ મેહુલે સાત બંગલા પાસે આવેલા તળાવમાં ફેંકી દીધુ હતું. લાશ સગેવગે કરીને પરત આવ્યા બાદ ખોલાવેલી એક્ટિવાના કેટલાંક પાર્ટસ અને ચોપડા
કાઢી લઇ તેનું બેગ મીરાખેડીથી પાવડી જવાના રસ્તે પાણીમાં નાખ્યા હતાં. કૃતિકા પાસેના ડોક્યુમેન્ટના ટુકડા કરીને તે રસ્તામાં વિવિધ સ્થળે ફેંકતો ગયો હતો તે ટુકડા પણ પોલીસે જપ્ત કર્યા છે. કૃતિકાને મારી નાખ્યા બાદ લાશ લઇ જતી વખતે મીરાખેડી આગળ તેનો મોબાઇલ બંધ કર્યો હતો. બધુ પૂર્ણ કરીને અંતરિયાળ રસ્તે ગોદીરોડ આવી મિત્રના ઘરે કપડા બદલીને પોતાની બાઇક લઇને નીકળ્યા બાદ કૃતિકાનો મોબાઇલ કાળીતળાઇમાં નાખી આવ્યો હતો.

ભાણપુરમાં યુવતીની લાશ ફેંકીને સળગાવી દેવાઇ હતી તે સ્થળ
ભાણપુરમાં યુવતીની લાશ ફેંકીને સળગાવી દેવાઇ હતી તે સ્થળ

સાંજે 5 વાગ્યે આવેલી LCBએ 12 કલાકમાં ગુનો ઉકેલી નાંખ્યો
​​​​​​​ભાણપુરના જંગલમાંથી મૃત મળેલી યુવતિની ઓળખ છત્તી કરવી અઘરી હતી. સંજેલી પોલીસ આ પ્રયાસમાં જોતરાઇ હતી. પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો પણ દાખલ કરી દેવાયો હતો. રહસ્યમય હત્યાના ગુનાની ગંભીરતા પારખીને એમ.એસ બરંડાની સુચનાથી એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ બી.ડી શાહ સહિતની ટીમ કામગીરીમાં હતી. કૃતિકાની ઓળખ છત્તી થયા બાદ ટેકનિકલ સોર્સ અને પરિવારની પુછપરછ બાદ શંકાસ્પદ યુવકોની અટકાયત કરાઇ હતી. આખી રાત તપાસ કરી યુવતિનું ટુકડા કરી દેવાયેલું મોપેડ શોધી લેવાયુ હતું. મેદાને પડેલી એલસીબીએ 12 કલાકની અંદર રહસ્યમય હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

લાશને વગે કર્યા બાદ ખોલાવી નાખેલી એક્ટિવાના કેટલાંક પાર્ટસ જે પોલીસે જપ્ત કર્યા છે.
લાશને વગે કર્યા બાદ ખોલાવી નાખેલી એક્ટિવાના કેટલાંક પાર્ટસ જે પોલીસે જપ્ત કર્યા છે.

ઓનલાઇન હોવા છતાં રિપ્લાય આપતી નહી મને બીજા સાથે લફરાની શંકા ગઇ, મારી નાંખી
​​​​​​​હત્યારાએ કહ્યુ હતું કે, સાંપ પકડાવના ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકતો હોવાથી મારો સંપર્ક થયો હતો. તે સાંપ પકડવાનું શીખવા માગતી હોવાથી એક વર્ષથી અમે એકબીજાના પરિચયમાં હતાં. ત્યાર બાદ પ્રેમ થઇ ગયો. થોડા સમયથી તે મારી સાથે બોલતી ન હતી, મારો ફોન કાપી દેતી હતી અને બ્લેકલિસ્ટમાં નાખી દીધો. તે બ્રેકઅપ કરવાનું કહેતી હતી. ઓન લાઇન હોવા છતાં મારા મેસેજનો જવાબ આપતી ન હતી. મને શંકા ગઇ હતી કે કોઇ બીજા સાથે તેનું લફરૂ છે. મે રવિવારે તેને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. રવીવારે રાત્રે ફોન કરીને બ્રેકઅપ કરવું છે તો બંનેના મોબાઇલમાંથી એક બીજાના ફોટો ડીલીટ કરવા માટે અમે મળતાં હતા તે સ્થળે સાત બંગલે બોલાવી હતી. મારા બંને મિત્રોને એકને પતાવી દેવાનો છે કહીને રાત્રે મારા ઘરે જ સુવડાવ્યા હતાં. સોમવારે સવારે તેનો ફોન આવ્યો. અમે ત્રણે પહેલા જ પહોંચી ગયા હતાં. વાતચીત વેળા મે તેને ચાકુ મારી પાડી દીધા બાદ મોઢુ દાબી મારી નાખી હતી. પછી લાશ મોપેડ ઉપર જ લઇ ફેંકવા નીકળ્યા હતાં. સંજેલી જતાં જંગલ વિસ્તાર જોવાતાં ત્યાં લાશ ફેંકીને બે બોટલમાં લઇ જવાયેલુ પેટ્રોલ નાખી આગ લગાવી દીધી હતી. તેનું એક્ટિવા લઇને મીરાખેડીમાં ખોલાવી અડધો ભાગ પાણીમાં નાખી દીધો હતો. રાત્રે પોલીસે અમને પકડી લીધા હતા. હવે મને લાગે છે કે મારાથી ભુલ થઇ ગઇ છે.’’

મોઢુ ભીંસવાથી મોત થયાની શંકા
યુવતીનું મોઢુ ભીંચી દેતાં મોત થયું હોવાનું લાગી રહ્યું છે. તેને ધસડી હોવાની પગના ભાગે ઇજાઓ થયેલી છે. આ સાથે હાથના પાછળના ભાગે પણ બે ઘા છે. યુવતીના વીસેરા લઇને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. - ડો.હસમુખ રાઠોડ, પોસ્ટમોર્ટમ કરનાર

અન્ય સમાચારો પણ છે...