દાહોદ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણીનો ચારે કોર થનગનાટ છે ત્યારે ચાઈનીઝ દોરીનો ભય પણ ફેલાયો છે. ત્યારે દાહોદ શહેરમાં બી. ડિવીઝન પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં બે ઈસમોને રૂા. 3000ના ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.
ઉજવણીના થનગનાટ વચ્ચે ચાઈનીઝ દોરીનું જોખમ
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધામધુમ પુર્વક ઉજવણી કરવા માટે દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું ચલણ વધતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. અગાઉ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં કેટલાંક વેપારીઓને પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે ત્યારે પોલીસે વધુ બે ઈસમોને ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતાં.
બાતમીને આધારે પોલીસે ઝડપી પાડયા
દાહોદ બી. ડિવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે પેટ્રોલીંગમાં હતાં. તે સમયે બે શંકાસ્પદ ઈસમો સ્કૂલ બેગ સાથે જતાં જોવા મળતાં પોલીસે બંન્ને ઈસમોની અટકાયત કરી હતી અને તેઓનું નામ પુછતાં પ્રિયાંશુ ઓમપ્રકાશ પટેલ (રહે. દાહોદ, ગોદીરોડ, આવકાર સોસાયટી, તા.જિ.દાહોદ) અને સચિનભાઈ દિલીપભાઈ ધોબી (રહે. ગોદીરોડ, ગણેશ સોસાયટી, તા. જિ. દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસે રહેલી સ્કૂલ બેગની તલાસી લેતાં તેમાંથી ચાઈનીઝ દોરીના ફિરકા નંગ. 6 જેની કિંમત રૂા. 3000નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ બી. ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે પી આઈ એમ.એન.દેસાઈએ જણાવ્યુ હતું કે, આ બંન્ને આરોપીઓ વેચાણ માટે દોરી લઈ જતા હતા. તેઓ જેની પાસેથી દોરી ખરીદ કરી હતી તે અગાઉથી ઝડપાઈ ગયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.