• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, Two Bulls Roared In A Crowded Market, Parked Vehicles Were Crushed, There Was An Atmosphere Of Fear Among The People.

જાહેર રસ્તા પર આખલાઓનો અડીંગો:દાહોદમાં ભરબજારે બે આખલાઓ બાખડ્યા, પાર્ક કરેલા વાહનોને ખુંદી નાખ્યાં, લોકોમાં ભયનો માહોલ

દાહોદ3 મહિનો પહેલા
  • શહેરમાં રોજ બરોજ બાખડતા આખલાઓથી શહેરીજનોમાં ભયની સાથે રોષ

દાહોદમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. છેલ્લા એક અઠવાડીયાથી જાહેર રસ્તાઓ ઉપર આખલાઓના યુદ્ધને પગલે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દાહોદ નગરપાલિકાની સામે અને દાહોદના સ્ટેશન રોડ ઉપર જાહેરમાં આખલાઓના યુધ્ધને પગલે વાહનોને નુકસાનની સાથે લોકોના જીવને પણ જોખમમાં મુકે તેવા આ આખલા યુદ્ધને પગલે શહેરવાસીઓમાં એક પ્રકારનો ભય પણ જોવા મળી રહ્યો છે.

પાલિકાની સામે જ વાહનોનો ખુરદો બોલાવ્યો
થોડા દિવસ પુર્વે દાહોદ નગરપાલિકાની સામે બપોરના સમયે બે આખલાઓ જાહેર માર્ગ ઉપર બાખડ્યા હતા. જેને પગલે પાર્કિંગ કરેલા વાહનોને આખલાઓએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ગતરોજ સમી સાંજના સાતેક વાગ્યાના આસપાસ સ્ટેશન રોડ ખાતે બે આખલાઓ જાહેરમાં બાખડ્યા હતા. આ આખલાઓના યુદ્ધને પગલે અવર-જવર કરતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકો અને રાહદારીઓ રસ્તાની સાઈડમાં ઉભા રહી ગયાં હતાં. આખલાઓ જાહેર માર્ગ ઉપર બાખડતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનીક લોકો દ્વારા જેમ તેમ કરી આખલાઓને ભગાડી મુક્યાં હતાં.
રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણની માગ
થોડા મહિનાઓ પુર્વે જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવતાં પશુઓને કબજે કરવાની કાર્યવાહી પણ માત્ર ગણતરીના દિવસો સુધી પાલિકાના સત્તાધીશો દ્વારા ચલાવ્યાં બાદ આ કામગીરી પણ બંધ થઈ ગઈ છે. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પશુઓ રસ્તાની વચ્ચો વચ્ચ અડીંગો જમાવી બેસતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે પસાર થવું પડે છે. ખાસ કરીને જાહેરમાં બાખડતા આવા આખલાઓ શહેરવાસીઓ માટે હવે માથાનો દુઃખાવો સમાન બની ગયાં છે. ત્યારે સમગ્ર મામલે પાલિકા સત્તાધિશો દ્વારા કાયમી નિરાકરણ લાવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠી છે.
એજન્સી ત્રણ જ દિવસ કામ કરી રફુચક્કર
પાલિકાએ ટેન્ડર બહાર પાડીને રખડતા પશુઓને ઝડપી પાડવા માટે એજન્સી નક્કી કરવામા આવી હતી. ગણતરીના દિવસોમાં જ આ એજન્સીએ હથિયાર હેઠા મુકી દીધા હતા. પાલિકા હાલ પણ એજન્સીઓને નિમંત્રિત કરી રહી છે પરંતુ અદ્યતન એજન્સીની શોધ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...