આશ્ચર્ય:દાહોદમાં હવે 7 બંગલા પાસેના તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 જ દિવસમાં ગણપતિ વિસર્જનનું ત્રીજું સ્થળ બદલાતાં આશ્ચર્ય
  • પહેલાં કલેક્ટર કચેરી પાસે નક્કી થયું, ચાકલિયા રોડનું ટેન્ડર બહાર પડાયંુ, હવે સાત બંગલા પાસે નક્કી કરાયંુ

દાહોદ શહેરમાં ગણપતિ ઉત્સવ ઉત્સાહ સાથે ઉજવાઇ રહ્યો છે પરંતુ શ્રીજીની પ્રતિમાના વિસર્જન મામલે અસમંજસો દૂર થવાનું નામ નથી લેતા. છેલ્લા દસ દિવસમાં બે સ્થળોની જાહેરાત બાદ અંતે સાત બંગલા પાસેના નીચેના તળાવનું ત્રીજુ સ્થળ નક્કી કર્યુ છે. ગણપતિ વિસર્જનના સ્થળ મામલે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લઇ શકાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે 26મી ઓગસ્ટના રોજ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગણેશ મંડળના સંચાલકો સાથેની યોજાયેલી બેઠકમાં ગણેશ ઉત્સવના આયોજકો સાથે સર્વસંમતિ સાધી કલેક્ટર કચેરી પાસે બહારની તરફ આવેલા સ્થળને ગણેશ વિર્સજન માટેનું સ્થળ ઠરાવવામાં આવ્યું હતું. આ માટેનું કૃત્રિમ તળાવ ઊભું કરવાનું પણ નક્કી કરાયુ હતું. પાણીના કુદરતી સ્ત્રોતમાં ગણેશ વિર્સજન કરવા ઉપર પ્રતિબંધ હોય છાબ તળાવ ખાતે ગણેશ વિર્સજન નહી કરી શકાય દાહોદ શહેરમાં ગણેશ વિર્સજન માટેના ઘણાં સ્થળોએ તપાસ કર્યા બાદ આખરે કલેક્ટર કચેરી બહાર આવેલા સ્થળને પસંદ કરાયુ હતું.

શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ જોતા કલેક્ટર કચેરી ખાતેના બહારના ભાગે કૃત્રિમ તળાવ બનાવવાનું ઠરાવાયું હતું. જોકે, કોઇ કારણોસર આ સ્થળ રદ કરાયા બાદ ત્યાર બાદ નગર પાલિકા દ્વારા ચાકલિયા રોડ ઉપર ઠક્કર બાપા સ્કુલની પાછળના ભાગે કૃત્રિમ તળાવ બનાવવાનું ટેન્ડર પણ બહાર પડાયુ હતું. ગણેશ વિસર્જનના સ્થળ મામલે ગુંચવણ હોવાથી ગણેશ મંડળો સાથે પુન: બેઠક થઇ હતી.તેમાં ચર્ચાના અંતે દાહોદના સાત બંગલા વિસ્તારની નીચે આવેલા તળાવમાં ગણેશ વિસર્જનનું નક્કી કર્યુ હતું.

નાની મૂર્તિઓને એક સાથે લઇ જવાશે
દાહોદ શહેરમાં નીકળનારી નાની મૂર્તિઓ માટે છાબ તળાવ નજીક ટ્રેક્ટરની વ્યવસ્થા રાખવામાં આવશે. કોઇ આયોજકો ને છેક સાત બંગલા નીચેના તળાવે ન જવુ હોય તો તે પોતાની પ્રતિમા ટ્રેક્ટરમાં મુકી દેશે. ચાર કે પાંચ પ્રતિમા ભેગી થતાં તે તંત્ર દ્વારા તળાવે લઇ જઇને વિસર્જન કરવામાં આવશે તેવી પણ વ્યસ્થા અંગે જાણવા મળ્યુ છે.

ગોધરા રોડ થઇને વિસર્જન સ્થળનો રૂટ નક્કી કરાયો
પરેલ સ્થિત સાત બંગલા નીચેના તળાવે ગણેશ વિસર્જન કરવાનું નક્કી કરાયા બાદ ગણપતિ યાત્રાઓનો રૂટ હવે લાંબો થઇ જશે. નિયત રૂટ ઉપરાંત હવે ગોધરા રોડ થઇને સાત બંગલે જવાનું નક્કી કરાયુ છે.

ચાકલિયા રોડ પર કાયમી તળાવ બની શકે છે
ચાકલિયા રોડ પર કૃત્રિમ તળાવ બનાવવાનું ટેન્ડર બહાર પડાયુ છે ત્યારે આ સ્થળે કાયમ માટે ગણપતિ વિસર્જનનું કૃત્રિમ તળાવ તૈયાર કરાય તેવું જાણવા મળ્યુ છે. જોકે, હાલ સુધી તળાવનું ખાત મૂહૂર્ત કર્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...