કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ત્યારે દાહોદમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કર્યુ હતું. જે બાદ દાહોદ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. જેમાં મોંઘવારી અને સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સાથે ધારાસભ્યોની બેઠકને લઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યો સાથેની બેઠકમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સમક્ષ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે, અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓને હેરાન ગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકીઓ, માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરી હતી.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દાહોદ ખાતે ઐતિહાસીક આદિવાસી સત્યાગ્રહ રેલીને મળેલી સફળતા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દાહોદ ખાતેની આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનસંખ્યામાં ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજ માટે ન્યાય અને અધિકારની લડત, જળ, જંગલ અને જમીન અંગે કોંગ્રેસ પક્ષની લડત માટે તમામ ધારાસભ્યો પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. સાથોસાથ આદિવાસી સમાજને પણ કોંગ્રેસ પક્ષમાં મોટા પાયે વિશ્વાસ વ્યક્ત કરીને રેલીમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર અંબાજી થી ઉમરગામ સુધીમાં 10 લાખ અદિવાસી પરિવારોમાં ઘરે ઘરે જઈને જનસંપર્ક અભિયાન કરશે.
અસહ્ય મોંઘવારી મુદ્દે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં સરકારી નોકરીઓમાં મોટાપાયે ગેરરીતિ, વારંવાર પેપર ફૂટવાની ઘટના અને ભ્રષ્ટાચાર સામે યુવાનોના જનઆંદોલનમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને ફરી ગુજરાત આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ધારાસભ્યોના વિવિધ મંતવ્યો સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ ધારાસભ્યોને જણાવ્યું હતું કે, કોઈએ ડર્યા વગર બધા સાથે મળીને ભાજપના કુશાસન, ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડત આપીશું. જનતા આપણી સામે મોટી અપેક્ષા લઈને વિશ્વાસ મૂકી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.