તપાસનો ધમધમાટ શરૂ:દાહોદમાં શિક્ષક સહિતના કર્મીઓએ GPFના નાણા વારંવાર ઉપાડ્યાનો ઘટસ્ફોટ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષનું ઓડિટ કરાતાં ભોપાળુ સામે આવ્યું
  • શિક્ષકો પાસેથી નાણાંની રિકવરી કરાશે

દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ઓડિટ દરમિયાન શિક્ષક સહિતના કર્મચારીઓ દ્વારા જીપીએફના નાણાં વારંવાર ઉપાડ્યાનો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા દસ વર્ષનું ઓડિટ કરાતા આ બાબત સામે આવી હતી. ભૂતકાળના કર્મચારીઓએ લેઝર રજિસ્ટરમાં એન્ટ્રી જ ન કરી હોવાથી નાણાની વારંવાર લ્હાણી કરવામાં આવી હતી. આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વારંવાર નાણા ઉપાડનારા કર્મચારીઓ પાસેથી રિકવરી પણ કરવામાં આવશે.

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જીપીએફના 6087 એકાઉન્ટ છે. લોકલ ફંડ કચેરી દ્વારા વર્ષ 2018-19નું પ્રિ ઓડિટ કર્યુ હતું. આ દરમિયાન શિક્ષકો દ્વારા જીપીએફના નાણા વારંવાર ઉપાડ્યા હોવાનું સામે આવ્યુ હતું. તપાસ કરતાં લેઝર રજિસ્ટરમાં નાણાની કોઇ એન્ટ્રી જ ન કરાઇ હોવાથી આમ થયુ હતું. ભૂતકાળમાં પણ આમ બન્યુ હોવાની શંકાના આધારે આ મામલે ઉચ્ચકક્ષાએથી મંજુરી લઇને વર્ષ 2006-07થી માંડીને વર્ષ 2017-18 સુધીનું ઓડિટ શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે દસ વર્ષ દરમિયાન જીપીએફના નાણા આપ્યા અંગેની લેઝર રજિસ્ટરમાં એન્ટ્રી જ કરાઇ ન હોવાનું સામે આવ્યુ હતું. તેના કારણે શિક્ષક સહિતના કર્મચારીઓએ પોતાની કપાત કરતાં વધુ નાણા ઉપાડી લીધા હતાં. હાલ આ બાબતની તપાસ ચાલી રહી છે.

કેટલાં શિક્ષકોએ કેટલાં રૂપિયા ઉપાડ્યા તે તપાસ બાદ જ સામે આવશે પરંતુ હાલમાં આ આંક કરોડોનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વધાના નાણા ઉપાડનારા શિક્ષકો પાસેથી રિકવરી અને તત્કાલિન સમયના કર્મચારીઓ સામે પણ કાર્યવાહીનો તખ્તો તપાસ બાદ ઘડવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે.

રિકવરીની કાર્યવાહી કરાશે
હાલમાં અમને રિપોર્ટ મળ્યો નથી. જેથી અનિયમીતતાનો આંક અને શિક્ષકોની સંખ્યા જાણી શકાઇ નથી. દોષિત સાબિત થનારાઓ સામે રિકવરી સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી દેવાઇ છે. ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન પ્રમાણે કાર્યવાહી કરાશે.>કે.જી દવે, જિલ્લા શિક્ષણાધિકારી, દાહોદ

અન્ય સમાચારો પણ છે...